Get The App

અમરેલી: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત 1 - image


Amreli news: ગરીબના કોળિયા પર બજાર માફિયા મેલી નજર રાખી રહ્યા છે તેનો જીવતો જાગતો દાખલો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે. સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો છે. સાવરકુંડલા પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, 2 વજનકાંટા સાથે 1 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મફતમાં મળતું અનાજ બજારભાવ કરતાં ઓછાં ભાવે આસપાસના વેપારીઓને વેચી દઈ રોકડી કરી લેતાં હોવાની ચર્ચાઓ છે. 

બાતમીના આધારે કાર્યવાહી

સમગ્ર કૌભાંડ અંગે માહીતી આપતા સાવરકુંડલા પુરવઠા મામલતદાર કિરીટ પાઠકે કહ્યું કે, 'અમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગેરકાયદે રીતે એક મકાનમાં સસ્તા અનાજનો જથ્થો એકઠો કરવામાં આવે છે. જે આધારે અમારી ટીમ દરોડા પાડયા હતા, જેમાં ઘઉંની 13 બોરી, ચોખાની 29 બોરી તેમજ નાના બે વજન કાંટા આ વસ્તુ મળી કુલ 1 લાખ અને 19 હજારનો અંદાજિત માલ જપ્ત કરવામાં આવેલો છે. આગળની કાર્યવાહી શરૂ કરી છે.'

કોઈ ધરપકડ કેમ નહીં?

આ ગેરકાયદે સસ્તા અનાજ કૌભાંડમાં આરોપી અંગે વાત કરતાં સાવરકુંડલા પુરવઠા મામલતદારે કહ્યું કે, 'અમે અહીં આવ્યા ત્યારે ચાર લોકો હતા, તેમણે અનાજના જથ્થા અંગે પૂછપરછ કરતાં કોઈ બિલ કે માહીતી અંગે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી આ જથ્થો ગેરકાયદે માની તપાસ કરી તેને કબજે લેવામાં આવ્યો છે. કાર્યવાહીના ભાગ રૂપે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે', જો કે ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર કૌભાંડ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી, ફક્ત મુદ્દામાલ જપ્ત કરી સંતોષ માની લેવાયો છે તેવું લાગી રહ્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં બેન્ક કર્મચારીઓનો દેખાવો, 5 દિવસના બેન્કિંગની માગ સાથે બેન્કર્સ મેદાને

મહત્ત્વનું છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ઼રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે. આ સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠું વિતરણ કરાય છે. ગુજરાતમાં હાલ કુલ રેશનકાર્ડ ધારકોની સંખ્યા 75.17 લાખ છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 3.41 કરોડ રૂપિયા લોકો મફત અને રાહત દરે અનાજ  મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025-26માં વ્યાજબી ભાવની દુકાને લાઇનમાં ઊભા રહેનારાની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી છે.