Get The App

તાપીના કુકરમુંડામાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારામાં 8 ઈજાગ્રસ્ત, વાહનોમાં તોડફોડ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
તાપીના કુકરમુંડામાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારામાં 8 ઈજાગ્રસ્ત, વાહનોમાં તોડફોડ 1 - image

Tapi News: તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે (સાતમી જાન્યૂઆરી) મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. બાઈક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ, આ અથડામણ કુકરમુંડાના ખટીક ફળિયા વિસ્તારમાં થઈ હતી. શરૂઆત એક બાઈક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી, પરંતુ જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. હિંસક બનેલા લોકોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટનામાં આશરે 8 લોકો લોહીલુહાણ થયા હતા. જેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક મહારાષ્ટ્રની નંદરબાર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને અન્ય ઈજાગ્રસ્તોને સ્થાનિક નિઝર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત

પોલીસની તાકીદની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખસોની રાત્રે જ અટકાયત કરી હતી. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કુકરમુંડામાં એસઆરપી (SRP) સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણમાં છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હિંસા ભડકાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.