Navsari Road Safety Crisis: નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે હવે નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યો છે. નવસારીના છાપરાથી મોગાર જતાં માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, 28 વર્ષીય તેજસ અરવિંદભાઈ પટેલ છાપરા-મોગાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર રખડતું ઢોર આડું ઉતર્યું હતું. બાઈક અને ઢોર વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં તેજસને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારમાં શોકનું મોજું
માત્ર 28 વર્ષની વયે તેજસનું અકાળે અવસાન થતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવતા પટેલ પરિવારમાં અને સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓમાં પાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો જમાવડો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો થયા છે, તેમ છતાં નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ ઘટના ફરી એકવાર રખડતા ઢોરના નિયંત્રણ માટેના કડક અમલીકરણ પર સવાલો ઊભા કરે છે.


