અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ

Ahmedabad News : અમદાવાદના નોબલનગરમાં રહેણાંક સોસાયટીમાં મંગળવારે (28 ઓક્ટોબર) બપોરે ત્રણ વર્ષની બાળકી પર કાર ચઢાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે, બાળકી પર કાર ચઢી જાય છે. જોકે, આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. કાર ચાલક સગીર હોવાનું જણાય છે, ત્યારે પોલીસે સગીર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નોબલનગરમાં શિવ બંગલોના કોમન પ્લોટમાં ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે અચાનક કારચાલકે રમી રહેલી બાળકી ઉપર કાર ચઢાવી દે છે. સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના માતા-પિતા અને આસપાસના લોકો દોડી આવે છે અને કારચાલક સગીરને મેથીપાક આપ્યો હતો. બનાવને લઈને જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર માલિક સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
બનાવ અંગે બાળકીના પિતાએ કહ્યું કે, 'મારી પત્નીએ કહ્યું કે પુત્રીને સોસાયટીમાં એક કારે ટક્કર મારી છે અને તેને શારદા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મેં મારી પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. તેના બંને પગ, ડાબા હાથ અને કમરમાં ઈજાઓ હતી.'

