ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો

Panchmahal News : દિવાળીના તહેવારની પૂર્વસંધ્યાએ ફટાકડા ફોડવામાં અખતરા અને ગંભીર બેદરકારીના કારણે કરુણ ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બગીડોર અંબાલી ગામે એક કિશોરને ફટાકડાનો અખતરો ભારે પડ્યો છે. અનમોલ નામનો, ધોરણ 10માં અભ્યાસ કરતો કિશોર પોતાના ઘર આંગણે એક સુતળી બોમ્બ સળગાવીને તેની ઉપર સ્ટીલનો ગ્લાસ મૂકીને બોમ્બ ફૂટવાની ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ગ્લાસ ફાટ્યો, સ્ટીલ ટુકડો નાકમાં ઘૂસ્યો
આ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સ્ટીલના ગ્લાસના ટુકડે ટુકડા થઈ ગયા. ગ્લાસનો એક ટુકડો ઊડીને કિશોરના મોઢાના ભાગે અને ખાસ કરીને નાકના ભાગે ઘૂસી ગયો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ગંભીર હાલતમાં અનમોલને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી છે.

અમદાવાદમાં આવી બેદરકારીએ સગીરાનો ભોગ લીધો હતો
આવી જ એક ગંભીર ઘટના ગત 21 ઓક્ટોબરે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ ઘટી હતી. અહીં ત્રણ યુવકો બેદરકારીપૂર્વક લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ અખતરા દરમિયાન લોખંડનો એક ટુકડો જોરથી ઉડીને નજીકથી પસાર થઈ રહેલી 16 વર્ષની સગીરાના કપાળ પર વાગ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો
ગંભીર ઈજાના કારણે સગીરાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું. મૃતક સગીરાના પિતાએ આ મામલે ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ઘટનાઓ તહેવાર દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવા માટે ગંભીર ચેતવણી પૂરી પાડે છે.

