ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઑફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી

Take Charge in Vijay Muhurt: ગુજરાતના નવનિયુક્ત મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓએ શનિવારે (18 ઑક્ટોબર) વિજય મુહૂર્તમાં પોતાના મંત્રી તરીકેના હોદ્દાનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. રીવાબા જાડેજા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો હતો.
જામનગર ઉત્તરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી પદ ચાર્જ સંભાળવા ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન નવા મંત્રી રીવાબા જાડેજા સચિવાલયમાં તેમના કાર્યાલય પર પહોંચતા જ વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા.
રીવાબા જાડેજાએ પોતાની ઑફિસમાં દીકરી નિધ્યાનાબા સાથે પૂજા-અર્ચના કરી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને દીકરી નિધ્યાનાબા પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'તમારા અને તમારી સિદ્ધિઓ માટે ખૂબ જ ગર્વ છે. મને ખાતરી છે કે તમે ઉત્કૃષ્ટ કાર્ય કરવાનું ચાલુ રાખશો અને જીવનના દરેક ક્ષેત્રના લોકોને પ્રેરિત કરતા રહેશો. ગુજરાત કેબિનેટમાં મંત્રી તરીકેની તમારી સફર માટે તમને ખૂબ ખૂબ સફળતાની શુભેચ્છાઓ. જય હિંદ'
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે શુભ વિજય મુહૂર્તમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે તેમના કાર્યાલયનો પદભાર સંભાળી લીધો હતો. સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને ચેમ્બર ફાળવવામાં આવી છે. પદભાર ગ્રહણ કરતા પહેલા હર્ષ સંઘવીએ વિધિવત રીતે પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો, સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્વના ખાતાઓ સોંપવામાં આવ્યા છે. જેમાં ગૃહ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, પ્રોહિબિશન અને આબકારી, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન ખાતું સોંપવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ પણ શુભ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળીને પોતાના કાર્યની શરુઆત કરી હતી. જ્યારે અમરેલીના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. કનુ દેસાઈએ પણ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
![]() |
બીજી તરફ, મંત્રી પ્રવીણ માળીએ ચાર્જ સંભાળતા પહેલા અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને રાજ્યના ઉત્તમ વહીવટ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રી પ્રવીણ માળી ચાર્જ સંભાળ્યો હતો. તો બીજી તરફ પીસી બરંડાએ મંત્રી બન્યા બાદ શામળાજી મંદીરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા.
![]() |