Get The App

દેશની 259 સ્થળે આજે વાગશે સાઇરન, જાણો મોક ડ્રીલ અને બ્લેક આઉટ વખતે નાગરિકોએ શું કરવું

Updated: May 6th, 2025

GS TEAM

Google News
Google News
દેશની 259 સ્થળે આજે વાગશે સાઇરન, જાણો મોક ડ્રીલ અને બ્લેક આઉટ વખતે નાગરિકોએ શું કરવું 1 - image

Gujarat Mock Drill : પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડીફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે (7 મે, 2025) દેશની 259 જગ્યાઓ પર સાઇરન વાગશે. આ મોક ડ્રીલ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની માહિતી અપાઈ છે.

ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમિશનર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

સરકારના જણાવ્યા મુજબ ગુજરાતના 18 જિલ્લાઓમાં 7 મેના રોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, 7:30થી 8 વાગ્યા સુધી બ્લેક આઉટ થશે. સાઇરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરાશે. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.  

મોક ડ્રીલ વખતે નાગરિકોએ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન?

  • ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાઇરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતી લાંબી સાઇરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકી અને સ્થિર સાઇરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
  • કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
  • આવતીકાલે (7 મે) રાજ્યમાં સાંજે 7.30થી 8.30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
  • નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

‘કોઈએ ગભરાવાની જરૂર નથી’

મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ તેમણે જે જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે.

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધાભ્યાસ

ગૃહરાજ્યમંત્રીએ મોક ડ્રીલ વખતે અન્ય પ્રક્રિયાઓની પણ આપી માહિતી

  • સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ 12 વિવિધ પ્રકારની સેવાઓ છે, જે આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સિવિલ ડિફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.
  • ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
  • સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાઇરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
  • સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
  • ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
  • PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
  • વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
  • પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
  • મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
  • એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
  • પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
  • વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
  • ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો : બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત