Get The App

ખાણ માફિયાઓ સાબરમતી નદીમાંથી 75% રેતી ચોરી ગયા, ભાજપના જ પૂર્વ સાંસદનો ધડાકો

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
ખાણ માફિયાઓ સાબરમતી નદીમાંથી 75% રેતી ચોરી ગયા, ભાજપના જ પૂર્વ સાંસદનો ધડાકો 1 - image

Sabarmati River : સાબરમતી નદીમાંથી 75 ટકા રેતીની ચોરી થઇ ગઇ છે. 25 થી 30 નાવડીઓ મૂકીને રેતી ચોરી કરવામાં આવે છે અને ખાણ-ખનીજ વિભાગ દરોડા પાડવાની જાણ પણ અગાઉથી જ ખાણ માફિયાઓને કરી દે છે તેવો આક્ષેપ સાબરકાંઠાના ભાજપના જ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર દ્વારા ખાણ માફિયાઓ સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન કરાશે. 

ખાણ માફિયા સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન કરાશે

સાબરકાંઠાના પ્રાંતિજના પુલુદ્રા પાસે રેતી ભરેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા બે યુવકોનાં મોત થયા હતા. આ મામલે ડમ્પરચાલકો અને ખાણ-ખનીજ માફિયાઓ સામે ફિટકાર વરસી રહી છે. દીપસિંહ સિંહ રાઠોડે આક્ષેપ કર્યો છે કે, પ્રાંતિજના વાઘપુર, પીલુદ્રા, સાંપડ, સાદોલીયા પાસે આવેલી સાબરમતી નદીમાંથી પાસ પરમિટ વગર ખોદકામ થાય છે અને નદીમાં 25થી 30 નાવડી મૂકી નદીમાંથી બેરોકટોક રેતી કાઢવામાં આવે છે. સાબરમતી નદીમાં 75 ટકા રેતી ખાલી થઇ ગઇ છે. રેતી ભરીને જઇ રહેલા ડમ્પરો ખેતીને નુકસાન કરે છે. આસપાસના ખેતરોમાં ઘૂળના ઢગ જમા થઇ ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં મેઘમહેર, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ

આ સાથે તેમણે ઉમેર્યું છે કે જીપીસીએ કચેરી હપ્તાની માયાજાળમાં તપાસ કરતા નથી. મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ અધિકારી, રેવન્યુ કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લેખિત રજૂઆત કરાશે. આ રોડ પરથી દૈનિક 200થી વધુ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર અવરજવર કરે છે અને ખાણ ખનીજ તંત્ર હપ્તા લે છે અને નાટ્યત્મક રીતે રેડ પાડે પણ છે. એક બે વાહનોને દંડ કરીને સંતોષ માની લે છે. 

આ રેતી ભરેલા ડમ્પરોમાંથી પાણી ટપકતાં રસ્તાઓ તૂટી ગયા છે અને અકસ્માતના બનાવો બનતા ગ્રામજનો ગામ છોડીને જતા રહ્યાંનાં પણ બનાવો બન્યાં છે અને શુક્રવારે ડમ્પરે અકસ્માત સર્જતા બે લોકોનાં મોત થયા હતા. જેથી હપ્તાખોરી બંધ કરીને પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.  

દિપસિંહ રાઠોડ 2014થી 2024 સુધી સાંસદ રહ્યાં હતા 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 2014 થી 2024 સુધી બે ટર્મ સુધી દિપસિંહ રાઠોડ સાંસદ તરીકે રહ્યાં હતા અને પ્રાંતિજ અને તલોદના ધારાસભ્ય તરીકે પણ બે ટર્મ રહ્યા હતા.