સુરતમાં પાલનપોર ગૌરવ પથનો મેટ્રોનો સિમેન્ટ પ્લાન્ટ આસપાસના લોકો માટે જોખમી
Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર ગૌરવ પથ પર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટની ડમરીથી લોકોના આરોગ્ય સામે ખતરો હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજ સિમેન્ટની રજકણો ઉડતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે અનેક વખત ફરિયાદ થઈ છે તેમ છતાં પણ નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે.
સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે મેટ્રોના કારણે શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે તેની સાથે સાથે આડેધડ રોડ બંધ કરવાથી લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. ત્યારે હવે પાલનપોર વિસ્તારમાં ગૌરવ પથ પર પાલનપુર ફાયર સ્ટેશનની સામે મેટ્રો રેલ કંપની સિમેન્ટથી મટીરીયલ બનાવવાનો પ્લાન લોકો માટે આફતરૂપ બની ગયો છે. આ અંગે જાગૃત નાગરિક પર્યાવરણ પ્રેમીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પ્લાન્ટમાં મટીરીયલ તૈયાર કરતા હોય તે સમયે સિમેન્ટ નાખવામાં આવે છે જેની ડમરીઓ ઊડીને સ્થાનિક પ્રજાજનોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. શરદી, ખાંસી, શ્વાસની તકલીફ સ્થાનિક રહેવાસીઓમાં આવી ગયા છે. આ અંગે અનેક ફરિયાદ પાલિકાને થઈ હોવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ફરિયાદ બાદ આ સમસ્યાનો નિકાલ થાય છે કે નહી તે સમય જ બતાવશે.