અમદાવાદમાં મેટ્રોના કેબલની ચોરી, એપરલ પાર્કથી શાહપુર સુધીનો રુટ હાલ પૂરતો બંધ
Ahmedabad Metro: અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂટનો ઉપયોગ કરો છો તો આજે મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળવું. કારણ કે, શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂટમાં કેબલ ચોરી થવાના કારણે એપરલ પાર્કથી શાહપુર સુધીને મેટ્રો સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા બંધ
મળતી માહિતી મુજબ, બુધવારે (21 મે) રાત્રે શાહપુરથી જૂની હાઇકોર્ટ વિસ્તારમાં મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધ કરવામાં આવી છે. જોકે, મેટ્રો વિભાગ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ, આ મામલે પોલીસે કેબલ ચોરી કરનારની તપાસ હાથ ધરી છે. તેમજ મેટ્રો સેવા ફરી શરુ કરવા માટે સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વસ્ત્રાલથી થલતેજ રુટ તરફ દોડતી મેટ્રો ઠપ્પ, ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો રઝળ્યાં
મુસાફરોમાં રોષ
હાલ, બંધ કરવામાં આવેલી મેટ્રો સેવાનું સમારકામ ક્યાં સુધીમાં પૂરું થશે અને ફરીથી આ સેવા ક્યારે પૂરી પાડવામાં આવશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વહેલી સવારથી જ ઑફિસે જતાં લોકોને અગાઉથી જાણકારી ન હોવાના કારણે ધક્કો ખાવો પડ્યો હતો અને અંતે ખાનગી વાહનમાં ઑફિસ જવું પડ્યું હતું. મેટ્રો વિભાગ દ્વારા આ વિશે કોઈ સત્તાવાર માહિતી ન આપવાના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે
આ રૂટ પણ અસ્થાયીરૂપે કરાયો બંધ
નોંધનીય છે કે, આજે વહેલી સવારથી વસ્ત્રાલથી થલતેજ રૂટની સેવા પણ ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો છે. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.