Get The App

હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે, જાણો ગુજરાત પર શું થશે અસર?

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે, જાણો ગુજરાત પર શું થશે અસર? 1 - image


Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતમાં પણ થશે તેવી શક્યતાઓ છે.

ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ 

આ સાથે ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરુ થતાં રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે, હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ છે. જેના લીધે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. જેની અસર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થઈ શકે. જો કે, હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. 

સરેરાશ 14થી 15 ડિગ્રીની આસપાસ રહેશે તાપમાન

આગામી સમયમાં લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદની વકી વચ્ચે આગામી દિવસોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવી શકે છે. 

આ પણ વાંચો: ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર 

હાલમાં હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર હતું. તે ઉપરાંત, પોરબંદર 11 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, તો ડીસા 11.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.