અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
Amreli News : જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ને આજે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શહીદના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા સમગ્ર પંથકમાં શોક અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો.
અંતિમ દર્શન માટે લોકોનું ઘોડાપૂર
શહીદ મેહુલભાઈનો પાર્થિવ દેહ જ્યારે તેમના વતન ઘામેલ પહોંચ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. પાર્થિવ દેહને સૌપ્રથમ દામનગરની એમ.સી. મહેતા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દામનગરની જનતાએ 'ભારત માતા કી જય' ના નારા સાથે તેમને નમ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પણ વાંચો: અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, વતનમાં શોકનો માહોલ
શોક અને ગર્વની લાગણી
દામનગરથી ઘામેલ ગામ સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. 'શહીદ મેહુલભાઈ અમર રહો' ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેહુલભાઈ તેમના મિલનસાર અને માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. તેમની શહીદીના સમાચારથી તેમના ગામ, મિત્રો, અને પૂર્વ શાળાના શિક્ષકો પણ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.
શહીદને ગાર્ડ ઓફ ઓનર
ઘામેલ ગામમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે તેમના અંતિમ દર્શન કર્યા હતા. શહીદને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ પૂર્ણ સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની શહાદતથી આખા પંથકમાં ગર્વની લાગણીની સાથે સાથે શોકની લાગણી પણ જોવા મળી હતી. મેહુલભાઈનું બલિદાન હંમેશા યાદ રહેશે.
શહીદને અંતિમ વિદાયની તસવીરો