અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ
Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ગુરૂવારે (18 સપ્ટેમ્બર) કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેહુલભાઈ ભુવા કાશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના શહીદીના સમાચાર મળતા જ ધામેલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શનિવારે માદરે વતનમાં અંતિમ સંસ્કાર
શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ શુક્રવારે સત્તાવાર રીતે તેમના માદરે વતન ધામેલ ખાતે લાવવા માટે રવાના કરી દેવામાં આવ્યો છે. આજે (શનિવાર) મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહ વતન પહોંચશે. લશ્કરી સન્માન અને અદબ સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શનિવારે સવારે 8 વાગે અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
મેહુલ ભુવા તેમના ગામ અને મિત્ર વર્તુળમાં ખૂબ જ મિલનસાર અને માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ પોતાની માતૃ સંસ્થા, ઉત્તર બુનિયાદી શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. તેમની શહીદીના સમાચારે તેમના મિત્રો, શિક્ષકો અને સમગ્ર પંથકને ઊંડા આઘાતમાં ગરકાવ કરી દીધું છે.
જય ઠાકર લખતો વીડિયો વાયરલ
આ દુઃખદ ઘટના વચ્ચે, શહીદ જવાન મેહુલ ભુવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કાશ્મીરના બરફમાં 'જય ઠાકર' લખતા જોવા મળે છે. આ વીડિયો તેમના દેશપ્રેમ અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના લગાવને દર્શાવે છે, જે જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે અને વીર શહીદને સલામ કરી રહ્યા છે.
