મહેસાણા દૂધ સાગર ડેરીમાં ખુદ વાઈસ ચેરમેને કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, અગાઉ બોર્ડની બેઠકમાં થયો હતો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana Dudhsagar Dairy: મહેસાણા દૂધ સાગર ડેરીની શુક્રવારે (27મી જૂન) મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં મામલો એકાએક બગડતાં ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો ઝીંકી દેતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. હવે મહેસાણા દૂધ સાગર ડેરીમાં કૌભાંડ થતો હોવાનો વાઇસ ચેરમેન યોગેશ પટેલે ઘટસ્ફોટ કર્યો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શુક્રવારે મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ બેઠકમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યો હતો. આ મામલે હવે દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેનું રાજકારણ ગરમાયું છે.
ગોડાઉનમાં જઈ ખોલી પોલ
શનિવારે (28મી જૂન) વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડામાં અમૂલના ગોડાઉનમાં પહોંચ્યા હતા. જ્યાં અમૂલ મિલ્ક પાવડરનો એક્સપાયર થયેલો જથ્થાનો સંગ્રહ કરાયો હતો. વાઇસ ચેરમેન યોગેશ પટેલે કહ્યું કે, 'અમૂલ મિલ્ક પાવડરનો જૂનો જથ્થો પડ્યો રહે અને નવો જથ્થો મંગાવે છે. જેના કારણે મહેસાણા દૂધસાગર ડેરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બધા જ નુકસાનની જવાબદારી ચેરમેન અશોક ચૌધરીની છે.' નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર હિસાબને લઈને બેઠકમાં હુમલો થયો હતો. આ સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધ સાગર ડેરીના વર્તમાન ચેરમેન તેમજ ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી.








