મહિસાગરના વિરપુરમાં ક્રિકેટ રમી ઘરે પરત આવેલા 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત, પાણી પીતાં પીતાં ઢળી પડ્યો
AI Image |
Heart Attack News: રાજ્યમાં સતત નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ક્યારેક જીમમાં તો ક્યારે ક્રિકેટ રમતાં રમતાં યુવાનો ઢળી પડતાં હોય છે. છેલ્લા કેટલાક સમયથી પાંચ વર્ષથી લઇને 18 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સમાજ અને લોકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ત્યારે વધુ એક બનાવ મહિસાગર જિલ્લાના વિરપુરમાં 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું છે.
મહિસાગર જિલ્લાના વિરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો 17 વર્ષના કિશોર ક્રિકેટ રમી ઘરે આવ્યા બાદ તેને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજયું હતું. વિરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો સૈયદ ફરહાન અલી મકબુલ અલી (ઉ.વ.17) મિત્રો સાથે શનિવારના રોજ ક્રિકેટ રમવા ગયો હતો. આ બાદમાં રમત પૂરી કર્યા બાદ તે પોતાના ઘરે પરત આવ્યો હતો. ફરહાન ઘરમાં પાણી પીતો હતો. તે સમયે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો આથી ફરહાનના પરિવારજનો ચોકી ગયાં હતાં. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. પરંતુ ફરજ પરના તબીબે ફરહાનને તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: રાહતના સમાચાર: સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ
સિક્સર મારતાની સાથે જ આવ્યો હાર્ટ એટેક
પંજાબના ફિરોઝપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ફિરોઝપુર જિલ્લાના ગુરુહરસહાયમાં આવેલી DAV સ્કૂલના મેદાનમાં ક્રિકેટ મેચમાં હરજીત સિંહ સવારે બેટિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન તેણે 49 રન કર્યા હતા, ત્યાર બાદ હરજીત સિક્સર ફટકારી અને પછી અચાનક પીચ પર બેસી ગયો અને પછી પીચ પર મોઢું નીચે બેસી ગયો હતો. સાથી ખેલાડીઓએ તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો હતો. ખેલાડીઓએ તરત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શરૂઆતની તપાસમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.