જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું
Demolition In Jamnagar : ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવાને લઈને તંત્ર કામગીરી કરી રહ્યું છે, ત્યારે જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે (25 જુલાઈ) જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા પરના દબાણ હટાવામાં આવ્યા હતા.
100 વીઘા જમીન પર દબાણ હટાવાયું
જામનગર પાસેના શાપર ખાતે વિશાલ જગ્યા પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર મામલે તંત્રએ આખરી નોટિસ ફટકાર્યા બાદ આજે શુક્રવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે 100 જેટલા પોલીસ અને સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત સાથે રાખીને 7 JCB મશીન અને 10 ટ્રેક્ટર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું.
દબાણકારોએ સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા હતા, જ્યારે ગૌચરની જમીનમાં 30 જેટલા બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણોને તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશનની કામગીરીમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ સ્ટાફ, પીજીવીસીએલની ટીમ હાજર રહ્યા હતા.