Gujarat

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદ

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં કાયમી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 15 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો પાસેથી કુલ રૂ. 54.69 લાખની માતબર રકમ ખંખેરી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર સંજય દેવશીભાઈ ગોહેલે માળિયા હાટીના બુધવારે (5 નવેમ્બર) પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી સહિત બે સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો વિરુદ્ધ નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદ
AI IMAGE

Fake Government Jobs Fraud : જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં કાયમી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 15 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો પાસેથી કુલ રૂ. 54.69 લાખની માતબર રકમ ખંખેરી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર સંજય દેવશીભાઈ ગોહેલે માળિયા હાટીના બુધવારે (5 નવેમ્બર) પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી સહિત બે સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો વિરુદ્ધ નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર 'કર્મયોગી ભવન'માં લેવાતા હતા ઇન્ટરવ્યુ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મુખ્ય આરોપી રાજેન્દ્રકુમાર નટવરસિંહ ગઢવીએ વજ્ર સિક્યુરિટી એન્ડ મેનપાવર સોલ્યુશન અને કેવલા સિક્યુરિટી સર્વિસના સંચાલકો સાથે મળીને આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.

આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તે ઉમેદવારોને સરકારી નોકરીની ખાતરી આપતો અને વિશ્વાસ કેળવવા માટે 4 માર્ચ 2025ના રોજ ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે ઇન્ટરવ્યુ માટે બોલાવતો હતો. ત્યાં તે સ્થાનિક અધિકારીઓ સાથે ઓળખાણ કરાવી નોકરી પાક્કી હોવાની ખાતરી આપી ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ સિવિલના ડીનની ઓળખ આપી 7 યુવાનો સાથે રૂ.11 લાખની ઠગાઈ, માંગરોળના શખ્સ વિરુદ્ધ ફરિયાદ

કુલ 15 ઉમેદવારો બન્યા ભોગ

ફરિયાદી સંજયભાઈ ગોહેલને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે રૂ. 85,000ના માસિક પગારની નોકરી માટે રૂ. 12,50,000ની માંગણી કરવામાં આવી હતી, સંજયભાઈએ ટૂકડે ટૂકડે કુલ રૂ. 7,50,000 ચૂકવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને અન્ય મળીને કુલ 15 ઉમેદવારો પાસેથી જુદી જુદી રકમો વસૂલી હતી, જેનો કુલ આંકડો રૂ. 54,69,000 પર પહોંચ્યો છે. કેટલાક કિસ્સાઓમાં ઉમેદવારોને છેતરપિંડી ચાલુ રાખવા માટે આઉટસોર્સ બેઝ પર કામચલાઉ નોકરી પણ અપાવવામાં આવી હતી.

પૈસા પરત માંગતા મળ્યા આંશિક રૂપિયા

જ્યારે લાંબા સમય સુધી કાયમી નોકરી ન મળી અને ઉમેદવારોએ પૈસા પરત લેવા દબાણ કર્યું, ત્યારે સુરત ખાતે કેવલા સિક્યુરિટી સર્વિસની ઑફિસે રજૂઆત કરવામાં આવી હતી. દબાણને વશ થઈ આરોપી રાજેન્દ્રકુમારે થોડા હપ્તામાં કુલ રૂ. 9,28,500 પરત કર્યા હતા. જોકે, બાકીની માતબર રકમ રૂ. 45,40,500 આજ દિન સુધી ચૂકવવામાં આવી નથી અને આરોપીઓ હવે પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ફરિયાદી સંજય ગોહેલની અરજીના આધારે માળિયા હાટીના પોલીસે મુખ્ય આરોપી રાજેન્દ્રકુમાર ગઢવી અને સંડોવાયેલા એજન્સીઓના સંચાલકો છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.