જૂનાગઢ સિવિલના ડીનની ઓળખ આપી 7 યુવાનો સાથે રૂ.11 લાખની ઠગાઈ, માંગરોળના શખ્સ વિરુદ્ધ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Junagadh Crime News: સૌરાષ્ટ્રની જુદી-જુદી સિવિલ હોસ્પિટલોમાં સરકારી નોકરી અપાવવાના બહાને સાત બેરોજગાર યુવાનો પાસેથી કુલ રૂ.10.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની એક ગંભીર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડીન તરીકેની ખોટી ઓળખ આપી માંગરોળના આશિષ દાનાભાઈ રાઠોડ નામના શખ્સે આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
કેવી રીતે આચરી છેતરપિંડી?
આ સમગ્ર મામલે ભોગ બનનાર અને હાલ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા સત્યદેવ ઘાવરીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેણે જૂનાગઢ સિવિલના ડીન તરીકે ઓળખ આપતા આશિષ રાઠોડનો સંપર્ક કર્યો હતો. આશિષે તેને સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પ્રથમ ડોક્યુમેન્ટ્સ પેટે રૂ. 3250 લીધા હતા.
ત્યારબાદ ગત 16 ઓક્ટોબર 2024 ના રોજ આશિષે સત્યદેવને ગાંધીનગર જવાનું કહી બોલાવ્યો હતો. ત્યાં તેને આરોગ્ય સચિવાલયની અંદર લઈ જઈ તેના ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ લીધા અને 'સાહેબ પાસે જાઉં છું' તેમ કહી જતો રહ્યો. થોડીવાર બાદ પરત આવી તેણે કહ્યું કે, કલાર્કની તરીકે તારી નોકરી નક્કી થઇ ગઈ છે, પણ રાજકોટમાં નોકરી કરવી હોય તો રૂ. બે લાખ થશે. સત્યદેવે હા પાડતાં તાત્કાલિક રૂ. બે લાખ ચૂકવી દીધા હતા.
આ રીતે થયો હતો સંપર્ક
ફરિયાદી સત્યદેવ ઘાવરી (ઉ.વ.32) એમકોમ સુધી ભણેલા છે. તેના પિતા સુખદેવભાઈ એક કોલેજમાં સફાઈ કામદાર છે, જ્યાં આરોપી આશિષનો પુત્ર પણ અભ્યાસ કરે છે. દશેરાના દિવસે સત્યદેવના પિતા આશિષના સંપર્કમાં આવ્યા હતા. વાતચીતમાં તેમણે પોતાના દીકરાની નોકરી બાબતે ચિંતા વ્યક્ત કરી. આ તકનો લાભ લઈ આશિષે પોતાનો પરિચય આપતાં કહ્યું હતું કે હું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડીનની પોસ્ટ ઉપર છું. મારી ઘણી ઓળખાણ છે. નોકરી અપાવવાની સત્તા મારા હાથમાં જ છે, ઉપરી અધિકારીઓ મારું માન રાખે છે. હું તમારા દીકરાને સરકારી નોકરી અપાવી દઈશ, પણ તેના બદલામાં રૂપિયા આપવા પડશે.
સગા-સંબંધીઓને પણ નોકરીની લાલચ આપી ફસાવ્યા
સત્યદેવ પાસેથી બે લાખ લીધા બાદ, આશિષે તેને બીજા સગા-સંબંધીઓને નોકરીની જરૂર હોય તો કહેવા જણાવ્યું હતું. જેથી સત્યદેવે પોતાના છ સગા-સંબંધીઓને પણ નોકરી માટે આશિષને રૂપિયા અપાવ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી નોકરી ન મળતાં આખરે સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સ્પષ્ટ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કોણે કેટલા રૂપિયા ગુમાવ્યા?
આરોપી આશિષે તમામને પડધરી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ચોટીલા સિવિલમાં ક્લાર્ક અને સફાઈ કામદાર તરીકે નોકરીની લાલચ આપી હતી. ફરિયાદી સત્યદેવ ઘાવરીએ બે લાખ ગુમાવ્યા હતાં. જયારે તેના સગાઓમાં મોટાબાપુના પુત્ર પરેશ સનાતનભાઈ ઘાવરીએ રૂ. 1.50 લાખ, સગા કાકાના પુત્ર કેવલ જીવનભાઈ ઘાવરીએ રૂ. 1 લાખ, બીજા સગા કાકાના પુત્ર અજય દીપકભાઈ ઘાવરીએ રૂ. 1.50 લાખ, કુટુંબી કાકાના દીકરા રાહુલ સંજયભાઈ ઘાવરીએ રૂ. 2 લાખ, બીજા કુટુંબી કાકાના દીકરા અનિકેત તુલસીભાઈ ઘાવરીએ રૂ. 2 લાખ અને તેના સગા બનેવી તુષાર બાબુભાઈ ચુડાસમાએ રૂ. 1 લાખ ગુમાવ્યા હતાં. આમ, આશિપને કુલ રૂ. 10.95 લાખ આપવામાં આવ્યા હતાં. આ તમામને આરોપી આશિષે પડધરી સિવિલ, રાજકોટ સિવિલ, જૂનાગઢ સિવિલ, સુરેન્દ્રનગર સિવિલ, વઢવાણ સિવિલ અને ચોટીલા સિવિલમાં કલાર્ક ઉપરાત સફાઈ કામદાર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી છેતરી લીધા હતાં.









