Gujarat

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-કવાંટ રોડની અત્યંત જર્જરિત હાલતથી કંટાળીને આજે (19મી માર્ચ) 20થી વધુ ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વડાતલાવ ચોકડી પાસે લોકોએ દેખાવો કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ધોમધખતા તાપમાં રોડની બંને તરફ 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી

Protest in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-કવાંટ રોડની અત્યંત જર્જરિત હાલતથી કંટાળીને આજે (19મી માર્ચ) 20થી વધુ ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વડાતલાવ ચોકડી પાસે લોકોએ દેખાવો કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ધોમધખતા તાપમાં રોડની બંને તરફ 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી.

ખાતમુહૂર્ત થયાના 4 મહિના બાદ પણ કામ ઠપ

મળતી માહિતી અનુસાર, બોડેલી તાલુકાની મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના રસ્તા માટે સ્ટેટ આર. એન્ડ બી. વિભાગ દ્વારા 58 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદ દ્વારા અંદાજે ચાર મહિના પહેલા જ કરી દેવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓની બેદરકારી સામે રામધૂનનો સહારો

રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય રહે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેટ આર. એન્ડ બી. વિભાગના અધિકારીઓએ પ્રજાનો અવાજ સાંભળ્યો નથી. તંત્રને જગાડવા માટે લોકોએ રસ્તા પર બેસીને 'રામધૂન' બોલાવી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલાકો સુધી ચક્કાજામ ચાલ્યો હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર ન પહોંચતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા

ડેપ્યુટી ઈજનેર સામે આંગળી ચિંધાઈ

સૂત્રોના જણાવ્યાનુસાર, આ સમગ્ર વિવાદ પાછળ બોડેલી સ્ટેટ આર. એન્ડ બી. વિભાગના ડેપ્યુટી ઈજનેરની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે. સરકારે રસ્તો મંજૂર કરી દીધો હોવા છતાં, કોન્ટ્રાક્ટર પાસે સમયસર કામ શરૂ કરાવવામાં કે ખાડા પુરાવવામાં અધિકારી નિષ્ફળ રહ્યા છે. અધિકારીઓની આવી આળસને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. 

કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાતા મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હવે જોવાનું એ રહેશે કે આ જનઆક્રોશ બાદ તંત્ર સફાળું જાગીને રસ્તાનું કામ ક્યારે શરૂ કરાવે છે.