Get The App

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ 1 - image


Panchmahal News : પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે, જેને કારણે વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ કૌભાંડમાં કેટલાક ગામોની વસ્તી કરતાં પણ વધારે લગ્ન નોંધણી થઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘોઘંબા તાલુકો બન્યો કૌભાંડનું 'એપી સેન્ટર'

આ કૌભાંડમાં ઘોઘંબા તાલુકો 'એપી સેન્ટર' બન્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તલાટી દ્વારા તમામ નિયમોને નેવે મૂકીને મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. હાલમાં પી.એમ. પરમાર અને પ્રવીણ પટેલની ફરજવાળી પંચાયતોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ 2 - image

અગાઉની તપાસમાં પણ થયા હતા મોટા ખુલાસા

વર્ષ 2024માં પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં 1502, અને ઘોઘંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ તત્કાલીન જવાબદાર તલાટી પી.એમ. પરમારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

જાહેર હિત વિરુદ્ધનું કૃત્ય

આ પ્રકારની ગેરરીતિથી કાયદાનો ભંગ થવાની સાથે જનતા સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. એક જ પંચાયતમાં વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણી થવી એ સરકારના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ, પંચમહાલનું વહીવટી તંત્ર આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યું છે.

Tags :