મરિયમબેને ફ્લાઇટમાં બેઠા પછી વીડિયો ઉતારી પરિવારને મોકલ્યો હતો
પરિવારજનોએ ધુમાડો જોયો પણ પ્લેન ક્રેશ થઇ ગયું હોવાની જાણ નહતી
વડોદરા,વાડી બદરી મહોલ્લામાં રહેતા મરિયમબેન પહેલી વખત જ વિદેશ જઇ રહ્યા હતા. એરપોર્ટ પર તેઓ સગા સાથે વાત કરતા હતા કે, મને અંગ્રેજી બરાબર આવડતું નથી. હું ત્યાં જઇને કઇ રીતે વાત કરીશ. તે સમયે ભરૃચના મુસાફરોએ તેઓને હિંમત આપતા કહ્યું હતું કે, તમે ચિંતા ના કરશો. અમે તમને એરપોર્ટની બહાર સુધી છોડી દઇશું. પ્લેનમાં બેઠા પછી મરિયમબેને વીડિયો ઉતારી સંબંધીઓને મોકલ્યો પણ હતો. આ તરફ તેમના પરિવારજનો એરપોર્ટથી વડોદરા આવવા રવાના થયા હતા. તેઓ નરોડા પાટિયા પાસે એક હોટલમાં જમવા બેઠા હતા. તે દરમિયાન જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. તેઓને ધુમાડા પણ દેખાયા હતા. પરંતુ, તેઓને સપને પણ ખ્યાલ નહતો કે, આ ધુમાડા પ્લેન ક્રેશના છે. ત્યાં જમીને તેઓ એક્સપ્રેસ હાઇવે પરથી વડોદરા આવતા હતા. તે દરમિયાન મરિયમબેનના પુત્રને તેના સાહેબનો કોલ આવ્યો હતો અને મરિયમબેનની ફ્લાઇટનો નંબર પૂછ્યો હતો. થોડીવાર પછી તેમણે કોલ બેક કરીને કહ્યું કે, તારી મમ્મી જે ફ્લાઇટમાં બેઠી હતી. તે ફ્લાઇટ તૂટી પડી છે. જેથી, પરિવારજનો પરત અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થયા હતા.