મિઠાઈની મેન્યુફેકચર તેમજ અંતિમ ઉપયોગની વિગત દર્શાવવી પડશે
- મીઠાઈની તાજગી હવે જાણી શકાશે
- વેચાણ માટે મુકવામાં આવેલી મિઠાઈની બાજુમાં ગ્રાહક જોઈ શકે એ પ્રમાણે વિગત દર્શાવવી ફરજિયાત બનશે
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
મિઠાઈ બનાવી તેનું વેચાણ કરનારાઓ માટે નવો કાયદો અમલમાં મુકવા કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી કરી છે.પહેલી ઓકટોબરથી દેશવ્યાપી અમલમાં આવનારા આ કાયદામાં મિઠાઈ બનાવી તેનું વેચાણ કરનારા તમામ વિક્રેતાઓએ જે સ્થળે મિઠાઈ વેચાણ માટે રાખી હોય એ સ્થળે મિઠાઈ બનાવ્યા તારીખ તેમજ તેનો મહત્તમ ઉપયોગ કઈ તારીખ સુધી તેનો ઉપયોગ કરી શકાય એ વિગત પણ ફરજીયાત દર્શાવવી પડશે.
મળતી માહીતી અનુસાર,કેન્દ્રના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દૂધની બનાવટ અને મિઠાઈ બનાવી તેનું વેચાણ કરનારાઓ માટે 24 જુલાઈના રોજ એક જાહેરનામુ જારી કર્યુ છે.આ જાહેરનામા પ્રમાણે,આગામી પહેલી ઓકટોબર-2020થી સમગ્ર દેશભરમાં મિઠાઈ બનાવી તેનું વેચાણ કરનારાઓ માટે બે બાબત દર્શાવવી ફરજીયાત બનાવવામાં આવી છે.
પહેલી બાબતમાં જે મિઠાઈ વેચાણ માટે મુકવામાં આવી હોય એ કઈ તારીખે બનાવવામાં આવી છે એ તારીખ ફરજીયાત દર્શાવવી પડશે.ઉપરાંત વેચાણ માટે મુકવામાં આવેલી મિઠાઈનો બેસ્ટ બિફોર યુઝ એટલે કે કઈ તારીખ સુધી તેનો ઉપયોગ કરવો હીતાવહ રહેશે.આ બંને બાબતો વિક્રેતાઓએ ફરજીયાત દર્શાવવી પડશે.
અત્રે નોંધનીય છે કે,કેન્દ્ર દ્વારા અગાઉ આ સંદર્ભમાં 24 ફેબુ્રઆરી અને 21 મેના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ.પરંતુ દેશમાં કોરોના મહામારીને લઈ લોકડાઉનના અમલ અને મંદીના કારણને વેપારીઓ દ્વારા આગળ કરી રજુઆત કરતા આ કાયદાનો અમલ થઈ શકયો ન હતો.
અમદાવાદ શહેરમાં મિઠાઈ બનાવી તેનું વેચાણ કરતા 300 થી વધુ વેપારીઓ હોવાનું સત્તાવારસુત્રોમાંથી જાણવા મળ્યુ છે.વિક્રેતાઓએ શોકેસમાં વેચાણ માટે મુકેલી મિઠાઈની બાજુમાં ગ્રાહક જોઈ શકે એ પ્રમાણે મિઠાઈ બનાવ્યા તારીખ અને તેની બેસ્ટ બિફોર ડેઈટ દર્શાવવી પડશે.