'કેવડિયામાં ચોમાસા પહેલાં આદિવાસીઓના મકાન તોડી પાડવા યોગ્ય નહીં', મનસુખ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર
Narmada News : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ભારે પવન ફૂંકાવવાની અને ગાજવીજની સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ છે. જ્યારે હવે ચોમાસાના આગમન પહેલા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કેવડિયા કોલોની વિસ્તાર સહિતના સ્થાનિક આદિવાસીઓના મકાનો-દુકાનો તોડી પાવડાને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સ્થાનિકો આગેવાનોને સાથે રાખી બેઠક બોલાવીને યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.
મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'કેવડિયા કોલોની વિસ્તારના સ્થાનિક આગેવાનોએ તેમના સળગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. જેમાં ચોમાસાની ઋતુના એક મહિના પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મકાનોને તંત્રએ તોડી પાડ્યા છે, તે યોગ્ય નથી. આ સાથે સ્થાનિક આદિવાસી લોકોની રોજગારીને લઈને મને રજૂઆત મળી છે. સમગ્ર મામલે સ્થાનિકોના પ્રશ્નો ઉકેલવા માટે સ્થાનિક આગેવાન સાથે આપના સ્તરે બેઠક બોલાવવા રજૂઆત કરી હતી.'
ચોંકાવનારી વાત તો એ છે કે, અવારનવાર સરકારી બાબુઓ પર આક્રમક રહેતા અને તેમને જાહેરમાં ખખડાવી નાખતા સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાની જેમ આદિવાસીઓના હક માટે આક્રમક સ્વરૂપ ધારણ નથી કર્યું કે રોષ નથી વ્યક્ત કર્યો, પરંતુ ફક્ત સરળ અને રજૂઆતની ભાષામાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ક્યાંય અધિકારીઓ પર રોષ નથી ઠાલવ્યો. સમગ્ર પત્રની ભાષા સરકારી જેવી જ છે, જેમાં સમસ્યા બાબતે મીટિંગ કરવાની અને બેઠક બોલાવી નિર્ણય લેવાની આશા વ્યક્ત કરી છે.