કેવડિયામાં દુકાન-ઘરો તોડવાનો મુદ્દો બન્યો ઉગ્ર, ચૈતર વસાવા સહિતના કોંગ્રેસ-આપના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
Narmada News: નર્મદાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની સામે નર્મદા નિગમ અને વહીવટીતંત્ર દ્વારા ગત 15 મેના રોજ વહેલી સવારે સ્થાનિક આદિવાસીઓની 34 જેટલી દુકાનો અને 8 જેટલા ઘરો તોડી પડાતાં સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. જોકે આજે સમગ્ર રાજ્યભરમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનો, કોંગ્રેસ અને આપ સહિત રાજકીય પાર્ટીના આગેવાનોએ કેવડિયા જૂના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. આ તમામે રેલી સ્વરૂપે જવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે ગઈરાત જ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી ન આપી.
અગાઉ કરેલા આહ્વાન મુજબ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 22મી મેના રોજ ડિમોલેશનના વિરોધમાં અને પીડિતોના વળતર માટે રેલી સ્વરૂપે સ્ટેચ્યુ ઑફ યુનિટીના CEOને આવેદનપત્ર સુપ્રત કરવા પોલીસને ચકમો આપવા કાફલા સાથે જંગલ માર્ગે નીકળ્યા હતા. આ બાબતની જાણ થતાં નર્મદા પોલીસે એમને ઝરવાણી નજીક રોકી પાડતાં ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે તુતુ-મેમેના દૃશ્યો સર્જાયા હતા, બંને વચ્ચે બબાલ થઈ હતી.
ચૈતર વસાવાએ પોલીસને કહ્યું હતું કે, તમે અમારા લોકોના રાત્રે ઘર તોડો છો તો અમે હવે તમારા ઘરો તોડી પાડીશું. ચૈતર વસાવાએ નર્મદા ડી.એસ.પી પ્રશાંત શુંબેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમારી પોલીસ લોકશાહીમાં અમને આવેદનપત્ર આપતા રોકે છે. આ તમામની વચ્ચે લગભગ 2થી 3 કલાકની રકઝક બાદ ચૈતર વસાવા અને એમના 4-5 સમર્થકોને આવેદનપત્ર આપવા માટે ઝરવાણી ગામથી નર્મદા પોલીસ વાહનમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી વહીવટીતંત્રની ઑફિસ પર લઈ જવાયા હતા. ત્યાં તેઓ સ્થાનિકોને સાથે રાખીને CEOને મળ્યા હતા.
ચૈતર વસાવાએ તોડી પડાયેલા લારી ગલ્લાવાળાઓને જણાવ્યું હતું કે, અમને અધિકારીઓએ જે લોકોના ઘરો તૂટ્યા છે અને જેમની પાસે પૂરતા પુરાવા હશે તે લોકોને છથી સાત દિવસમાં જે પણ પેકેજો હશે તે પ્રમાણે વળતર આપવામાં આવશે. આ જમીનો સંપાદનના અમને છ થી સાત દિવસ બાદ પુરાવાઓ અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું. અમે રાહ જોઈએ છીએ જો જરૂર પડી તો આવનારા દિવસોમાં ફરીથી મોટા કાર્યક્રમો કરીશું અને અમારી જે લડત છે તે સડકથી લઈને સદન સુધી ચાલતી રહેશે.
આદિવાસી આગેવાનોના આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી પર જવાના દરેક પોઇન્ટ પર દરેક ગાડીને એક એક કરીને ચેક કર્યા બાદ જ અંદર જવા દેવાતી હતી.
બીજી બાજુ કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ વસાવાએ ડિમોલેશનના વિરોધમાં નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તો નાંદોદનાં પૂર્વ ધારાસભ્યને નજરકેદ કરી રાજપીપળા પોલીસ સ્ટેશન રોકી રાખવામાં આવ્યા હતા.