Get The App

મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો યુવક, બહેને કર્યો આપઘાતનો પ્રયાસ, 6 સામે FIR

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો યુવક, બહેને કર્યો આપઘાતનો પ્રયાસ, 6 સામે FIR 1 - image


Ahmedabad News: ગુજરાતી-હિન્દી ગીતો લખતાં અને મ્યુઝિક  આલ્બમ બહાર પાડતો યુવક આ શોખ પૂરો કરવા અને કમાઈ લેવાની લાલચે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયો હતો. ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં રહેતાં યુવકે છ વ્યાજખોરો પાસેથી દોઢ વર્ષમાં 61 લાખ જેવી રકમ વ્યાજે મેળવી તેની લામે 1.66 કરોડ રૂપિયા ચૂકવ્યાં હતાં. ત્રણગણા પૈસા ચૂકવી દીધા હોવા છતાં અમદાવાદ અને ગાંધીનગરના છ વ્યાજખોરોએ વસૂલાત કરવા માટે લોન લેવડાવી આ ઉપરાંત ચેક, પ્રોમિસરી નોટ અને મકાન લખાવી લીધાં હતાં. એક તબક્કો એવો આવ્યો કે, ફરિયાદી યુવકના બહેને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. છેલ્લા દોઢ-બે વર્ષથી વ્યાજખોરીનું વિષચક્ર રચનાર અમદાવાદ અને ગાંધીનગરના છ માથાભારે વ્યાજખોરો સામે આખરે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે કાર્યવાહી કરાશે તેવો દાવો ચાંદખેડા પોલીસ કરે છે.

બહેનોએ આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી અનુસાર, મોટેરા ઔડા ગાર્ડન નજીક દેવનંદન ડિઝાયર એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય મિતેશ બારોટ હિન્દી, ગુજરાતી ગીતો લખવા તેમજ યુ-ટ્યૂબ ચેનલ ઉપર મ્યુઝિક રિલીઝ કરવાનું કામ કરે છે. પત્ની, માતા, નાની બહેન અને ચાર વર્ષના પુત્ર સાથે રહેતા મિતેશ વર્ષ 2009થી સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. તેણે ઘાટલોડિયામાં રહેતા અનુજ ઉર્ફે કરણ ધીરજ દેસાઈ, મેમનગરના વિશાલ દેસાઈ, ચાંદખેડાના ભાવેશ દેસાઈ અને મોટેરાના ઈશ્વર દેસાઈ ઉપરાંત ગાંધીનગરના દશેલા ગામે રહેતા જીગર અમૃત દેસાઈ અને નિખીલ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા દોઢ વર્ષમાં મ્યુઝિક આલ્બમ બહાર પાડવા માટે મિતેશ બારોટે કુલ 61 લાખ રૂપિયા વ્યાજે લીધા તેની સામે 1.66 કરોડ જેટલી રકમ ચૂકવી આપી હોવા છતાં મિલકતો અને લખાણો કરાવી લેવા ઉપરાંત ત્રાસ અપાતો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસમાં નોંધાવાઈ છે. ત્રાસ એ હદે હતો કે, ફરિયાદીના બહેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જાણો શું છે મામલો

ફરિયાદ અનુસાર, મિતેશે વર્ષ 2016થી નવા ગીતો બનાવવા અમદાવાદના જુદા જુદા સ્ટુડિયોમાં જતા હતા અને વર્ષ 2018માં તેમની મુલાકાત તેજસ પટેલ સાથે થઈ હતી. તેજસ મારફતે કરણ ઉર્ફે અનુજ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ, નિખીલ દેસાઈ, ભાવેશ દેસાઈ, ઈશ્વર દેસાઈ સાથે અવારનવાર મળવાનું થતું હતું અને આરોપીઓએ કોઈને વ્યાજે પૈસા જોઈતા હોય તો આપીએ છીએ તેવી વાત કરી હતી. મિતેશે વર્ષ 2022માં ડીએમવી નામે મ્યુઝિક ચેનલ શરૂ કરી તેના માટે પૈસાની જરૂર પડતાં કરણ ઉર્ફે અનુજ દેસાઈ પાસે 10 દિવસના 10 ટકા વ્યાજે પાંચ લાખ લીધા હતા અને બદલામાં ચેક આપ્યાં હતાં. આ રકમ સામે ઓનલાઈન 4.70 લાખ ઓનલાઈન ઉપરાંત 15.65 લાખ ઓનલાઈન મળી કુલ 20.35 લાખ ચૂકવ્યાં હતાં. આમ છતાં, કરણ વધુ 45 લાખની માગણી કરતા હતા. 

કરણની સતત વ્યાજની માગણી અને ધંધામાં નુકસાન થતાં વિશાલ દેસાઈ પાસેથી 12 લાખ રૂપિયા 10 ટકા લેખે લીધા હતા. તેની સામે રોકડા 17.40 લાખ અને ઓનલાઈન 12 લાખ મળી 37.30 લાખ ચૂકવ્યાં છતાં 36 લાખ વધુ માગી રહ્યાં છે. બળબજરીપૂર્વક 70 લાખ રોકડા આપ્યાની પ્રોમીસરી નોટ ઉપર લખાણ કરાવી પત્ની અને બહેનને ગાળો આપી પરેશાન કરતાં હતાં. આથી, બહેન શ્વેતાએ 21-11-2024ના રોજ આપઘાત માટે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. આ સમયે પોલીસ કેસ કરશો તો આખા પરિવારને પતાવી દેવા ધમકીથી ફરિયાદ કરી નહોતી.

આ પણ વાંચો: ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે


આ વ્યાજ ચક્રથી છૂટવા માટે જીગર અને નિખીલ દેસાઈ પાસેથી 20 લાખ માગ્યા હતા. 10 ટકા વ્યાજે લીધેલા 20 લાખ સામે 5 લાખ રૂપિયા ઓનલાઈન ઉપરાંત 48 લાખ રોકડા મળી કુલ 53 લાખ રૂપિયા ચૂકવી દેવાયાં છે. તેમ છતાં ઘર નામે લખી આપો તેમ કહી દબાણ કરતાં હતાં. બે મહિના પછી 95 લાખ રૂપિયાની માગણી કરી 1-5-2025ના રોજ કારમાં આવી 45 વર્ષની વયે અવતરેલા દિકરાને ઉપાડી જવાની ધમકી આપી લોન ચાલુ હતી તેવા મકાનનું બાનાખત વકીલ પાસે કરાવી લીધુ હતું. આ તમામ વ્યાજખોરીમાંથી છૂટવા 11-2-2025ના મકાન ઉપર 63 લાખની લોન ઉપરાંત દુકાન વેંચી 25 લાખ રૂપિયા અને મિત્ર તેજસ પાસેથી 25 લાખ રૂપિયા મેળવ્યાં હતાં. 

વ્યાજના ચક્કરમાંથી છૂટવા માટે મિત્ર ભાવેશ દેસાઈ પાસેથી 10 લાખ રૂપિયા મેળવ્યાં હતાં. જેની સામે ઓનલાઈન 15 લાખ અને રોકડા 34 લાખ મળી 49 લાખ રૂપિયા ચૂકવ્યાનો દાવો ફરિયાદમાં કરાયો છે. તેમ છતાં વ્યાજના વધુ 8 લાખ માગી ઘરે આવી ગાળો આપતાં હતાં. તેથી ઈશ્વર દેસાઈ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા પછી 6.50 લાખ ચૂવ્યાં પછી પણ છેલ્લા 9 મહિનાના વ્યાજના 18 લાખ રૂપિયા માગવામાં આવી રહ્યા છે. વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા ચેનલ મ્યુઝિક પ્રોડ્યુસરની ફરિયાદના કેસમાં આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવશે તેમ ચાંદખેડા પી.આઈ. એન. જી. સોલંકીએ જણાવ્યું હતું. હાલમાં તો ગુજરાતી અને હિન્દીમાં ગીતો લખતાં તેમજ ચેનલ ઉપર મ્યુઝિક આલ્બમ બનાવતાં યુવકની જીંદગીના સૂર-તાલ બેસૂરા બન્યાં છે. બીજી તરફ તહેવારો ટાંકણે જ વ્યાજખોરો બેફામ બન્યાની ફરિયાદે ચર્ચા જગાવી છે.

દોઢ વર્ષમાં 61 લાખ સામે 1.66 કરોડ ચૂકવ્યાં  

•કરણ દેસાઈ(ઘાટલોડિયા) 5 લાખ રૂપિયા લીધાં અને 20.35 લાખ રૂપિયા ચૂકવ્યાં

•વિશાલ દેસાઈ(મેમનગર) 12 લાખ રૂપિયા લીધાં અને 37.30 લાખ રૂપિયા ચૂકવ્યાં

•જીગર અને નિખીલ (ગાંધીનગર) 20 લાખ રૂપિયા લીધાં અને 53 લાખ રૂપિયા ચૂકવ્યાં

•ભાવેશ દેસાઈ (ચાંદખેડા) 19 લાખ રૂપિયા લીધાં અને 49 લાખ રૂપિયા ચૂકવ્યાં

•ઈશ્વર દેસાઈ(મોટેરા) 5 લાખ રૂપિયા લીધાં અને 6.50 લાખ રૂપિયા ચૂકવ્યાં

આ ઉપરાંત આરોપીઓએ 10 કોરા ચેક, 50 લાખ ચૂકવવાના હોવાનું નોટરાઈઝ લખાણ, 70 લાખની પ્રોમિસરી નોટ, 12 વાઉચર્સ ઉપરાંત નરોડા રજીસ્ટ્રાર કચેરીએ લઈ જઈને ફરિયાદીનું મકાન લખાવી લીઘું હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસે નોંધી છે.

Tags :