ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે
Central Jal Shakti Ministry Report: દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે કેમકે, દરિયાકાંઠાની જમીનનું રોજે રોજ ધોવાણ થઈ રહ્યું છે. સાથે સાથે જમીનમાં ખારાશનું પ્રમાણ વઘ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ગુજરાતના દરિયાકાંઠે 765 કીમી જમીનનું ધોવાણ થયું છે. આ પરથી સ્થિતિ કેટલી હદે ચિંતાજનક છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. જાણકારોનું માનવું છે કે, જો આ જ પરિસ્થિતિ રહી તો, ગુજરાતના નકશો-ભૂગોળ બદલાઈ જશે તે દિવસો હવે દૂર નથી.
ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે ધોવાણ વધુ
ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં દરિયાકાંઠાની જાળવણી ભૂલાઈ હોય તેમ લાગી રહ્યું છે. વધતાં ઔદ્યોગિકીકરણ અને ગેરકાયદેસર માઇનીંગ, વૃક્ષછેદન જેવી માનવસર્જીત પ્રવૃત્તિઓને લીધે દરિયાકાંઠે સ્થિતિ ચિંતાજનક બની છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે, ગુજરાતના દરિયાકાંઠાની જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટે તે માટે એક કમિટીનું ગઠન કરાયું હતું જેના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7,00,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ હતી. બીજી તરફ, દરિયાકાંઠા વિસ્તારોમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે-2025ના રોજ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. રાજ્ય સરકારે પણ તે દિશામાં અમલ કરવા તૈયારી કરી છે.
ખારાશ નિવારણ માટે પગલાં લેવાતાં ગુજરાતમાં 87,860 હેક્ટર જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછું થયું હતું. એટલું જ નહીં, ખેડૂતોને પણ ફાયદો પહોંચ્યો હતો. આ તરફ, નેશનલ એસેસમેન્ટ ઑફ શોરલાઇન ચેન્જનો રિપોર્ટ છે કે, ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે જમીનનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠી, વિરડી, થાલસર અને ગોધામાં જમીન ધોવાણ થયું છે. જ્યારે ગીર સોમનાથમાં આદ્રી અને નવાપરામાં જમીન ધોવાઈ રહી છે. જૂનાગઢ વિસ્તારમાં તો દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઈ રહી હોવાનું તારણ બહાર આવ્યું છે.
ટૂંકમાં, કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જિત પ્રવૃતિઓને લીધે દરિયાકાંઠાની જમીન ધોવાઈ રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં દરિયાકાંઠાની 537 કીમી જમીન ધોવાઈ હતી જે વધીને હવે 765 કીમી સુધી પહોંચી છે જે ચિંતાનું કારણ બની રહ્યું છે. જો સરકાર આ દિશામાં ગંભીરતા નહીં દાખવે તો, ગુજરાતના દરિયાકાંઠાને દરિયો ગળી જશે.