કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા

કપડવંજની મહિલા શખ્સને રાખડી બાંધતી હતી
ભાણિયાને દિલ્હી મંત્રાલયમાં નોકરીની લાલચ આપી રૂા. 2.50 લાખ ઉછીના લીધા હતા
કપડવંજના ફુલબાઈ માતા રોડ પર રહેતા સંધ્યાબેન દલવાડી તૈયબપુરામાં રહેતા શિવશંકર રાવળને રાખડી બાંધતા હોય બંને વચ્ચે ભાઈ-બહેન જેવો સબંધ હતો. વર્ષ ૨૦૧૯માં સંધ્યાબેનને બહેન બનાવ્યા બાદ શિવશંકર અવાર-નવાર ધંધા માટે નાણાં માંગતો હતો. બાદમાં સંધ્યાબેનને તેના દિકરાને દિલ્હી કૃષિ મંત્રાલયમાં નોકરી આપવાની લાલચ બતાવી રૂા. ૨.૫૦ લાખ રૂપિયાની જરૂર હોવાથી હાથઉછીના આપવા જણાવ્યું હતું. જેથી સંધ્યાબેને બચતમાંથી હાથઉછીના ૨.૫૦ લાખ આપ્યા હતા. આ નાણાં આપ્યા બાદ સંધ્યાબેનના દિકરાને ક્યાંય નોકરી પર લગાવાયો ન હતો. કાયદાકીય કાર્યવાહીની ચિમકી આપતા શિવશંકરે ૩૦૦ના સ્ટેમ્પ પર લખાણ આપવા સહિત એક ચેક આપ્યો હતો. ચેક ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ જમા કર્યા બાદ પરત આવ્યો હતો. જે અંગેનો કેસ કપડવંજની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં કોર્ટે આરોપી શિવશંકરને ૨ વર્ષની સજા ફટકારી છે, તેમજ ૨.૫૦ લાખ ફરિયાદીને ચુકવી આપવા આદેશ કર્યો છે.

