Gujarat

શંકાસ્પદ કોરોનામાં મૃતકોને સહાય ચૂકવવાની સત્તા મામલતદારોને અપાઇ

By GS Team
6 Dec 20212 mins read
This article was originally published on 6 Dec 2021
શંકાસ્પદ કોરોનામાં મૃતકોને સહાય ચૂકવવાની સત્તા મામલતદારોને અપાઇ

- સુરતમાં 81 ટકા કિસ્સામાં સ્વજનોને સહાય ચૂકવાઇ : કુલ 1580 પરિવારના ખાતામાં સહાયની રકમ જમા થઇ ગઇ

        સુરત

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના મૃતકોના સ્વજનોને ચૂકવવામાં આવી રહેલી સહાયમાં 81 ટકા કામગીરી સાથે સુરત શહેર સમ્રગ રાજયમાં અગ્રેસર છે. તો આગામી દિવસોમાં શંકાસ્પદ કોરોનાના મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવાની કામગીરી જે તે મામલતદારને સોંપી દેવાઇ છે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનામાં સપડાયા બાદ મોતને ભેટેલા વ્યકિતઓમાંથી સરકારી ચોપડે સતાવાર 1956 વ્યકિતઓના મોત થયા હતા. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ તમામને સહાય ચૂકવવાની કામગીરી સુરત જિલ્લા કલેકટર દ્વારા થઇ રહી છે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા થઇને કુલ્લે 1580 વ્યકિતના સ્વજનોની સહાય ખાતામાં જમા થઇ ગઇ છે. આ સાથે જ 81 ટકા સહાય ચૂકવી દેવાઇ છે. અને જેટલા પણ બાકી છે. તેમને સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.

દરમ્યાન આ તો સત્તાવાર આંકડો હતો. પરંતુ કોરોનામાં સપડાયા બાદ શંકાસ્પદ મોતને ભેટનારા વ્યકિતઓને પણ સહાય ચૂકવવાની તજવીજ શરૃ કરાઇ છે. કોરોનાકાળ દરમ્યાન જેમના મોત થયા હતા. તેમને કો-મોર્બિડ ગણીને શંકાસ્પદ કોરોનામાં મોત બતાવાયા હતા. આથી જેમના પણ શંકાસ્પદ કોરોનામાં મોત થયા હોય તેમના પરિવારજનોને પણ સહાય મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવાની સત્તા જે તે મામલતદારને સોંપી દેવાઇ છે. મામલતદાર કચેરીમાં જેટલા પણ શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ થયાની સહાય માટેના ફોર્મ આવ્યા હશે. તેના પર સહાય ચૂકવવી કે નહીં ? તેનો નિર્ણય મામલતદાર દ્વારા  લેવાશે.