જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- 'પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવાની'
Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં આજે (10 સપ્ટેમ્બર) કોંગ્રેસની શિબિરનું રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધ્યું હતું. શિબિરને સંબોધિત કરતાં ખડગેએ નામ લીધા વગર કહ્યું કે, 'એ બંને લોકતંત્રને બચાવવા ઇચ્છતા નથી. અમારી પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ અને લોકતંત્રને બચાવાની છે.' તેમણે આરોપ લગાવ્યો કે, સત્તામાં બેઠેલા લોકો આ સંસ્થાઓની રક્ષા માટે કામ નથી કરી રહ્યા.
ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અને નવગર અધ્યક્ષોને લઈને જૂનાગઢમાં 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શિબિરના ઉદ્ધાટન પહેલા ખડગે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, 'લોકતંત્રમાં ચૂંટણી લડવી સામાન્ય વાત છે.' જ્યારે ખડગેએ તેમના સંબોધનમાં કહ્યું કે, 'ગુજરાત એ ભૂમિ છે, જ્યાં મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા લોકોના જન્મ થયો અને દેશને આઝાદી અપાવવા માટે કામ કર્યું. તેઓ સમ્માનને પાત્ર છે, કારણે કે તેમનાથી જ આજે દેશ સ્વતંત્ર અને એકજૂથ છે.'
ખડગેના નિવેદનમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીની મોટી હારની પીડા પ્રતિબિંબિત થઈ હતી. NDAએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 152 મતોથી જીતી છે, કારણ કે કોંગ્રેસના રણનીતિકારોએ માહોલ વધુ મુશ્કેલ હોવાની અપેક્ષા રાખી હતી, પરંતુ એવું થયું નહીં.
કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ તાલીમ શિબિરના સમાપન સમારોહમાં રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા છે.