Uttarayan Emergency case: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામ ઉત્તરાયણના દિવસે કરૂણ ઘટના બની છે. મોપેડ લઈને જતાં એક સગીર યુવકનું ચાઈના દોરીને કારણે ગળું કપાતા મોત થયું છે. 17 વર્ષીય તીર્થ પટેલ નામનો યુવક દોરી ગળામાં ઘસીને જતાં પડી ગયો હતો જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાખ્યું
ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસે બનેલી આ ઘટનામાં ધોરણ 11માં ભણતા 17 વર્ષીય તીર્થ પ્રકાશભાઇ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેના ગળામાં પ્રતિબંધ ચાઈનીઝ દોરી આવી ગળી હતી, જેના કારણે તેનું ગળું કપાતા વધુ માત્રામાં લોહી વહેવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક સગીર યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતાં ઉત્તરાયણનો તહેવારમાં ગામમાં માતમ છવાઈ ગયું હતું.
જંબુસરમાં દોરી વાગતા બાઈકચાલકનું મોત
બીજી તરફ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરામાં પતંગની દોરીથી ગળું કપાતા બાઇકચાલકનું મોત થયું છે, રાહુલ પરમાર નામનો વ્યક્તિ બાઈક લઈને જતો હતો તે દરમિયાન દોરી ગળામાં આવી જતાં તેનું મોત થયું હતું.
રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને દોરી વાગી
અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા પાસે બાઇક પર જઈ રહેલા વ્યક્તિને દોરી વાગી, ઈજાગ્રસ્ત હાલતમાં પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આણંદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું
આણંદમાં જીટોડિયાથી મોગરી જતા રોડ પર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હતું. આ યુવકને 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેતપુરમાં અગાસી પરથી મહિલા નીચે પટકાઇ
રાજકોટના જેતપુરના જેતલસર ગામે ઉત્તરાયણની મજા માણવા અગાસી પર ચડેલી મહિલા નીચે પટકાઈ હતી. 38 વર્ષીય મહિલાને ગંભીર ઇજાઓ થતાં એમ્બ્યુલન્સ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: પવનની મંદ ગતિથી પતંગ રસિયા નિરાશ, આકાશમાં પેચને બદલે ધાબે ખાણી-પીણીની મહેફિલ
પતંગ ઉતારતી બાળકીને લાગ્યો વીજ કરંટ
પંચમહાલના કાલોલ તાલુકાના રીંછીયા આંટા ગામે વીજ કંપનીને લાપરવાહીને કારણે એક બાળકીને કરંટ લાગ્યો છે. બાળકી ઝાડમાંથી પતંગ ઉતારી રહી હતી જે દરમિયાન ત્યાંથી પસાર થતી વીજ લાઇન ઝાડના ડાળના અડકી જતાં બાળકીને વીજ કરંટ લાગ્યો હતો અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ બાળકીને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


