Ahmedabad Uttarayan: ગુજરાતનો સૌથી મોટો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ આજે પરંપરાગત હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. જોકે, આ વર્ષે પતંગ રસિયાના ઉત્સાહ પર પાણી ફેરવાયું છે. વહેલી સવારથી જ આકાશમાં પેચ લડાવવા આતુર શહેરીજનો માટે પવનની ગતિ સાથ આપી રહી નથી. પવનના અભાવે આકાશ જે પતંગોથી છવાઈ જવું જોઈએ, તે આજે થોડું ખાલી જોવા મળી રહ્યું છે. પતંગો ચગાવવામાં પડી રહેલી મુશ્કેલી છતાં લોકો ધાબા પર સંગીત અને મિજબાની સાથે તહેવારનો આનંદ ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'પવન વગર પતંગ ચગાવતા ખભા દુખ્યા'
મયુરકુમાર મોરવાડિયાએ ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, 'વર્ષો વર્ષ પતંગો ઉડાડવાનું પ્રમાણ ઘટતું જાય છે અને આજે પવન ઘણો ઓછો હોવાથી પતંગો ચગતી નથી. પવન વગર પતંગ ચગાવવાના પ્રયત્નોમાં સવારથી ખભા દુ:ખી ગયા છે, પરંતુ આપણો આ તહેવાર હંમેશા જીવતો રાખવો જોઈએ.'
પતંગની જગ્યાએ ખાણી-પીણીનો આનંદ
એકતા ગજેરાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, 'સવારથી અગાશી પર આવ્યા હોવા છતાં પવન ન હોવાને કારણે તેઓ નિરસતા અનુભવી રહ્યા છે અને આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નથી. પતંગો ઉડતી ન હોવાથી હવે મિત્રો સાથે મળીને મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓની જયાફત ઉડાવીને મોજ-મસ્તી કરી રહ્યા છીએ.'
અમદાવાદના માહોલથી પતંગબાજો સંતુષ્ટ
અમદાવાદની ઉત્તરાયણ અંગે અંકુર કુંડલિયાએ જણાવ્યું કે, 'સવારથી પવન થોડો ઓછો છે, પરંતુ અમદાવાદની ઉત્તરાયણ હોવાથી ખૂબ મજા આવી રહી છે. પવનની ગતિ ઓછી હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આકાશમાં પતંગોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે, છતાં તેઓ આ તહેવારના માહોલથી સંતુષ્ટ છું.'
વાસી ઉત્તરાયણ પર પવનની આશા
પવન વિશે વાત કરતા અલકા કુંડલિયાએ જણાવ્યું કે, 'આજે સામાન્ય દિવસો કરતા પણ પવન સાવ ઓછો છે, જેના કારણે આકાશમાં પતંગો જોઈએ તેવી ઉડી રહી નથી. બપોરનો સમય થઈ ગયો હોવાથી હવે તેઓ મિત્રો સાથે જમીને આનંદ કરશે અને વાસી ઉત્તરાયણમાં સારો પવન હશે તેવી આશા છે.'


