Get The App

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ 1 - image


Crime News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. સરકાર અને ગૃહ વિભાગ ભલે ગમે તેટલાં દાવા કરે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવાઓ દારૂ-ડ્રગ્સના બંધાણી બન્યાં છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં ક્લબોમાં ચાલતી દારૂની મહેફિલ-પાર્ટી તો હિમશીલાના ટોપકાં સમાન છે. હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડીલિવરી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂછુટ્ટી એ જ ખબર પડતી નથી. ભાજપના રાજમાં બુટલેગરો બેફામ બન્યાં છે. એટલું જ નહીં, હપ્તારાજને કારણે દારૂના દૂષણને કાબૂમાં લઈ શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો

3 કરોડનું દારૂ, 11 કરોડનું બિયર અને 3955 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

જે રીતે ગુજરાતમાં વિદેશી-દેશી દારૂ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે તે જોતાં ગુજરાતની ઓળખ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાતમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર પકડાયુ છે. ગુજરાતમાં હવે ડ્રગ્સ પેડલરોનું પણ વ્યાપક નેટવર્ક છે જેના કારણે શહેરો જ નહીં, હવે તો ગામડાઓમાં પણ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. ગાંજો, અફીણ તો ઠીક, પણ હેરોઈન સહિત ડ્રગ્સ પણ બેફામપણે વેચાણ થઈ રહ્યુ છે. બે વર્ષમાં 3955 કરોડનું અફીણ, ગાંજો, હેરોઇન સહિત ડ્રગ્સ પકડાયું છે. આટલા વિશાળ જથ્થામાં દારૂ-ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે ત્યારે પોલીસ-ગૃહ વિભાગ જાણે તીર માર્યુ હોય તેમ વાહવાહી મેળવી રહ્યું છે. સવાલ એ છે કે, દારૂ-ડ્રગ્સનો આટલો વિશાળ જથ્થો પકડાઈ રહ્યો છે તો પાછલા બારણે કેટલુ વેચાતુ હશે તેની કલ્પના કરવી રહી.

ધારાસભ્યો કરી રહ્યા છે ફરિયાદ

ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને કારણે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને ડામવુ અઘરૂ બન્યુ છે. આ ઉપરાંત છેક ગાંધીનગર સુધી હપ્તારાજ હોવાથી બુટલેગરોને ઉની આંચ આવે તેમ નથી. પોલીસનો જાણે હવે ડર જ રહ્યો નથી. ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યાં હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી.

આ પણ વાંચોઃ લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય

દારૂ પીવા માટે અડ્ડા પર જવાની પણ જરૂર નથી. હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડિલિવરી થઈ રહી છે. શહેરોમાં તો ઘેર બેઠા મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એવા ય કિસ્સા જોવા મળ્યાં છેકે, દૂધની ટેન્કરોમાં દારૂની બેરોકટોક હેરાફેરી થઈ રહી છે.

Tags :