શહેરા નજીક ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા નજીક વન વિભાગની ટીમે ગેરકાયદે લાકડાની હેરાફેરીનો મોટો કેસ પકડ્યો છે. વન વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરીને ખેર અને પંચરાઉ લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી, જેમાં વાહન સહિત કુલ 5.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે કાર્યવાહી
શહેરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી (RFO) આર.વી. પટેલને અંગત બાતમી મળી હતી કે, બાહી ગામના માલિકી સર્વે નંબરની જમીનમાંથી ગેરકાયદે રીતે કાપેલા ખેરના લાકડાનો જથ્થો ટ્રકમાં ભરીને ગોધરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પટેલની સૂચના હેઠળ ખાંડિયા રાઉન્ડ સ્ટાફ અને શહેરા રેન્જ સ્ટાફે બાહીથી સાકરીયા તરફ જતા રોડ પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સાકરીયા ચોકડી નજીક GJ-17T-9215 નંબરની ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાં લીલા અને તાજા ખેરના લાકડા તેમજ પંચરાઉ લાકડાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો.
પરમિટ ન હોવાથી ટ્રક અને લાકડા જપ્ત
ટ્રકના ડ્રાઇવર પાસે લાકડાના વહન માટે જરૂરી પાસ-પરમિટ માંગવામાં આવતા, તે રજૂ કરી શક્યો નહોતો. આથી વન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ટ્રક (નં. GJ-17T-9215) અને લાકડાના જથ્થા સહિત અંદાજે 5 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વન વિભાગે આ મામલે ટ્રકના ડ્રાઇવર અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરીને તેમના નિવેદનો નોંધ્યા હતા, જો કે, બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલને વધુ તપાસ માટે શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે. વન વિભાગે ગેરકાયદે લાકડા કાપવા અને હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેર અને પંચરાઉ લાકડાની ગેરકાયદે હેરાફેરીનું કારણ
ખેર અને પંચરાઉ લાકડાના જથ્થાની ગેરકાયદે હેરાફેરી વારંવાર ઝડપાય છે કારણ કે આ બંને લાકડાંનું વ્યાવસાયિક અને ઔષધીય મૂલ્ય ઘણું ઊંચું છે.
ખેરના લાકડાનો ઉપયોગ
ખેર ખૂબ જ કિંમતી, મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડું છે. મુખ્યત્ત્વે ઈમારતી લાકડું (ફર્નિચર, મકાન બાંધકામ). કાથો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે, જે પાનમાં વપરાય છે અને ઔષધીય ગુણ ધરાવે છે. વ્યાવસાયિક રીતે ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે, જેના કારણે તેની ગેરકાયદે કાપણી વધુ થાય છે. મોટે ભાગે સરકારી કે વન વિભાગની જમીનમાંથી તેની કાપણી માટે કડક નિયમો અને પરમિટ ફરજિયાત હોય છે.
પંચરાઉ લાકડાનો ઉપયોગ
પંચરાઉ ઓછું મૂલ્યવાન લાકડું છે. તે સામાન્ય રીતે ઓછી કિંમતના, અન્ય જંગલ પેદાશના લાકડાઓ અથવા ગૌણ વૃક્ષોના લાકડા માટે વપરાતો સ્થાનિક શબ્દ છે. આ લાકડાનો ઉપયોગ સામાન્ય રીતે બળતણ, કામચલાઉ બાંધકામ અથવા કૃષિ સાધનો માટે થાય છે. તેનું મૂલ્ય ખેરની સરખામણીમાં ઘણું ઓછું હોય છે. તેના માટેના નિયમો ખેર જેટલા કડક ન પણ હોઈ શકે, પરંતુ વહન માટે પરમિટ તો જરૂરી જ છે.

