વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા રોષ

Vadodara : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ તાજેતરમાં એકતા નગર કેવડિયા કોલોની ખાતે તાજેતરમાં કરાઈ હતી.
ત્યારબાદ લોખંડી પુરુષની પ્રતિમા ટેમ્પોમાં મૂકીને વડોદરાના વિવિધ વિસ્તારમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સાંસદ ડો.હેમાંગ જોશી, ગુજરાત રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ તથા સ્થાનિક કોર્પોરેટરો આ પદયાત્રામાં જોડાયા હતા. વિવિધ વિસ્તારમાંથી પસાર થયેલી પદયાત્રા અંગે ઠેક ઠેકાણે સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા. સ્થાનિકો અને પક્ષના કાર્યકરો દ્વારા જે તે વિસ્તારમાં આ પદયાત્રાનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો.
મોડી સાંજ સુધી ચાલેલા આ કાર્યક્રમ બાદ લોખંડી પુરુષની પ્રતિમાને ટેમ્પોમાં લઈ જઈને કિશનવાડી વિસ્તારમાં કોઈ પણ જાતની રખેવાળી વિના રોડ રસ્તે રઝળતી હાલતમાં મૂકી દેવાઇ હતી.

