ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત
ST Bus Accident In Dahod: ગુજરાતમાં સરકારી બસચાલકો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે (31મી ઓગસ્ટ) વધુ એક એસટી બસને અકસ્માત નડ્યો છે. દાહોદ જિલ્લાના સંજેલીના વાંસીયા ગામે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટીના કારણે બંને બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બંને બસને નુકસાન થયું
મળતા માહિતી અનુસાર, દાહોદના સંજેલીના વાંસીયા ગામે સંજેલીથી ઝાલોદ તરફ જતી અને ઝાલોદથી સંજેલી તરફ જતી બે એસટી બસની સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બસના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી અને બસોને પણ નુકસાન થયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રથમિક તપસમાં સામે આવ્યું છે કે, વરસાદી વાતાવરણમાં ધુમ્મસના કારણે બંને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા
ગઈ કાલે બે અકસ્માત સર્જાયા હતા
ઉલ્લખનીય છે કે, શનિવારે (30મી ઓગસ્ટ) એસટી બસના અકસ્માતની બે ઘટના સામે આવી હતી. સુરતના બારડોલીમાં મુસાફરોથી ભરેલી ST બસ પલટી મારી ગઈ હતી. બસની અંદર બેઠેલા મુસાફરો કાચ તોડીને બહાર નીકળ્યા હતા. રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ નજીક એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નજીકની કાલાવડ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.