મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર
Mahisagar News: મહીસાગર જિલ્લાના વીરપુરના ખરોડ ગામ પંચાયતમાં મહેરા વાસ આવેલું છે જ્યાં અંદાજિત 25 થી 30 ઘરનો વસવાટ છે અને આશરે 200 જેટલા લોકો વસવાટ કરે છે. ત્યારે અહીંના લોકો સુધી પહોંચવા માટે રસ્તો નથી અને લોકો પગદંડી રસ્તાએ જવા માટે મજબૂર બન્યા છે. શિયાળા અને ઉનાળામાં તો પગદંડી રસ્તાએથી પસાર થઈ શકાય છે, પરંતુ ચોમાસાની શરૂઆત થતા જ પગદંડી રસ્તાએ જવું મુશ્કેલ બને છે.
લોકોને આરોગ્ય, શિક્ષણ અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી
મળતી માહિતી અનુસાર, ખરોડ ગામના બાળકોને શાળાએ ભણવા જવા માટે અને ગામના લોકોને કામ ધંધા પર જવા માટે કાદવ-કીચડમાંથી જવું પડે છે. જો કોઈ બીમાર હોય તો અહીંયા કોઈ વાહન આવી શકે તેમ નથી. જેના કારણે બે કિલોમીટર જેટલું ચાલીને બીમાર વ્યક્તિને ઊંચકીને લઈ જવું પડે છે. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે, 'આઝાદીના આટલા વર્ષો પછી પણ અમારા ગામ સુધી એક રસ્તો નથી પહોંચી શક્યો.'
આ પણ વાંચો: નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી
ગ્રામજનોએ પંચાયતથી લઈને ઉપર સુધી રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યું છે. ત્યારે લોકો મહેરા વાસને જોડતો રસ્તો બનાવવામાં આવે અને જો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો હવે એક જૂથ થઈને ઉચ્ચ રજૂઆત કરવાની તૈયારી પણ બતાવી છે. ત્યારે મહેરા વાસના લોકોને આરોગ્ય, શિક્ષણ અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી છે. આજે પણ મહેર આવાસ રસ્તાથી વિહોણો છે વર્ષોથી માંગણી રસ્તાની કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કર્યા હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ વખતે તંત્ર મહેરા વાસના લોકોને રસ્તો બનાવી સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ?