બાલાસિનોરમાં જમીન વિવાદમાં જીવલેણ હુમલા મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યના દીકરા સહિત ટોળા સામે FIR
Mahisagar Crime: મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકામાં આવેલા પિલોદરા રોડ એક જમીન વિવાદે હિંસાત્મક સ્વરૂપ લઈ લીધુ હતું. જેમાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકના દીકરા પાર્થ અને ટોળા સામે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ છે કે, ધારાસભ્યના દીકરાએ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ 2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બેન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ફરિયાદી જીગર પટેલ ખેતી તેમજ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે બાલાસિનોરમાં પોતાના કુટંબ સાથે જીવન જીવે છે. તેમણે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, '28મી જુલાઈએ બપોરે 11:30 વાગ્યે હું મારા મામાના દીકરા નીતિનની જમીન પર ગયા હતા. આ જમીન 1009-3-1 નંબરે પિલોદરા રોડ પર આવેલી છે. જમીનની નજીક પ્લોટ માપણી ચાલી રહી હતી, જ્યાં રાજેશ પાઠકના પાર્ટનર ટીનામામા પણ હાજર હતા. જીગરે જમીનની હદ વટાવી હતી અને અમારી જમીનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જે માટે તેને ચેતવણી આપી હતી કે આ અમારી જમીન છે. જોકે, ત્યારે તો તેઓ ત્યાંથી જતા રહ્યા પરંતુ, બાદમાં આશરે દોઢેક વાગ્યે 40 જેટલા અજાણ્યા વ્યક્તિઓ સ્થળે આવ્યા અને જીગરને ગાળો ભાંડી તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ
માથાના ભાગે ગંભીર ઈજા
આ હુમલામાં જીગરને માથાના ભાગે, ડાબા હાથની આંગળી અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ ખેતરમાં ન ઘુસવા દેવામાં આવતા જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. હાલ, આ મામલે જીગરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાલ, પોલીસે ઘટનાસ્થળે હાજર પુરાવા અને જુબાનીઓના આધારે વધુ તપાસ ચાલી રહી છે.