મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા, 24 કલાકથી નથી મળી ભાળ
Mahisagar News: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે. આ ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે, પરંતુ 24 કલાકથી વધુ સમય વિતવા છતાં ગુમ થયેલા કર્મચારીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.
પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને...
આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.
પરિવારજનોમાં આક્રંદ
ગુમ થયેલા યુવકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ગોધરાના એક ગુમ થયેલા યુવકના પરિજને સરકાર અને તંત્રને અપીલ કરી છે કે તેમના પ્રિયજન જીવિત કે મૃત હાલતમાં પણ જલ્દીથી મળે. જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ બચાવ કામગીરી ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. NDRFની ટીમ દ્વારા યુવકોની શોધખોળ ચાલી રહી છે, જ્યારે હાઇડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવા માટે પણ તંત્ર કામે લાગ્યું છે. જોકે, હજુ સુધી આ પાંચેય યુવકોની ભાળ મળી નથી, જેના કારણે પરિવારજનોમાં ચિંતા અને નિરાશાનો માહોલ છે. ઉચ્ચ અધિકારીઓ સતત ખડેપગે રહીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ગુમ કર્મચારીઓના નામ
શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)
અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)
વાયરમેન નરેશભાઈ (રહે. ગોધરા)
3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું
ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી શુક્રવારે (4 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ શરૂ: ડીપ ટ્રેકરનો ઉપયોગ
જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સફીન હસન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. SPએ જણાવ્યું કે, દોલતપુરા ગામમાં આવેલા અજંતાના પાવર પ્લાન્ટમાં બપોરે 3:50 કલાકે આ ઘટના બની હતી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.
ડૂબી ગયેલા કર્મચારીઓને શોધવા માટે અત્યાધુનિક 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 10 કિલોનું આ વાહન 200 મીટર સુધી ઊંડાણમાં જઈ શકે છે અને 100 કિલો સુધીની વસ્તુઓ બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. આ ડીપ ટ્રેકર 4K કેમેરા, નાઈટ ઓપરેશન માટે શક્તિશાળી લાઈટ અને મલ્ટીબીમ SONAR ટેકનોલોજીથી સજ્જ છે, જે ડહોળા પાણીમાં પણ સ્પષ્ટપણે ઓપરેશન પાર પાડી શકે છે. અગાઉ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ આ વ્હીકલે વાહનો અને પુરાવા શોધવામાં મદદ કરી હતી.
પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીએ શું કહ્યું હતું?
ગઈ કાલે ઘટના બન્યા બાદ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી મનીષભાઈ માછીએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. તે સમયે મશીન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારીઓએ પાણીનું લેવલ પૂછ્યું હોવા છતાં ફરજ પરના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી. મનીષભાઈના આક્ષેપ મુજબ, ઘનશ્યામ પટેલ અને દિનેશ દવે સહિતના અધિકારીઓ ઘટના બાદ ભાગી ગયા હતા. દુર્ઘટના સમયે લગભગ 15 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી પાંચ ડૂબી ગયા અને અન્ય તરતા આવડતું હોવાથી બચી ગયા. કેટલાકને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા.
મોરબી ઝૂલતા પુલના સંચાલકનો પ્લાન્ટ?
મનીષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ હાઈડ્રો પાવર પ્લાન્ટ 'અજંતા પાવર પ્રોજેક્ટ'ના નામે ચાલી રહ્યો છે, જે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જે કંપનીની બેદરકારી સૂચવે છે.