મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો
Mahisagar scam : મહીસાગર જિલ્લામાં 'નલ સે જલ' યોજના અંતર્ગત થયેલા આશરે 123 કરોડ રુપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓમાંથી અલ્પેશ પરમારને CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે અલ્પેશ પરમાર વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો અને કૌભાંડના મુખ્ય પાયાઓમાંનો એક માનવામાં આવે છે.
કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
મહીસાગર જિલ્લામાં 123 કરોડ રુપિયાના નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયરને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં લુણાવાડા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સરકારી બાબુઓ સામે તપાસ ચાલુ
આ નલ સે જલ કૌભાંડમાં કુલ 12 સરકારી કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3ની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય 111 કોન્ટ્રાક્ટરો સામે પણ ગેરરીતિના આરોપો સામે આવ્યા છે.
ગિરિશ અગોલાએ CID ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, આ મામલે ગત 22 જૂને હાલના વાસ્મો યુનિટના મેનેજર ગિરિશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે CID ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઇજારદાર એમ મળી કૂલ 17 કૌભાંડીઓને ઝડપી પાડ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી ચાલુ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. રાજ્ય સરકારે પણ કૌભાંડને ગંભીરતાથી લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.