ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર

Sabarkantha News : સાબરકાંઠાના ઈડરમાં લૂંટેરી દુલ્હન અને તેના મળતીયા દ્વારા લગ્નના થોડા દિવસ બાદ દુલ્હન દ્વારા ઘરેણાં-રોકડ લૂંટ કરીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ઈડરમાં એક યુવક સાથે લગ્ન કર્યાના થોડા દિવસ બાદ દુલ્હન લૂંટેરી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ હોવા મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિતના આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર
મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના રામપુરના રહેવાસી નૈમેશ પટેલ નામના યુવકના લગ્ન કરાવવા માટે દલાલે ચાંદની રમેશ રાઠોડ નામની યુવતી સાથે સંપર્ક કરાવ્યો હતો. આ પછી મંદિરમાં નૈમેશ અને ચાંદનીના વિધિવત લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડાક દિવસો બાદ પરિણીતાએ નૈમેશને વિશ્વાસમાં રાખીને ઘરેણાં અને રોકડ સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. આમ લૂંટેરી દુલ્હન મળતીયાઓ સાથે મળીને યુવક સાથે વિશ્વાસઘાત કરીને જતી રહી હતી. બીજી તરફ, યુવકના માંડ-માંડ લગ્ન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુરત: 65 વર્ષીય જનેતાને એક મહિનો ઘરમાં પૂરી રાખી, પાડોશીઓ ગ્રીલમાંથી આપતા હતા જમવાનું
પોલીસ ફરિયાદ મુજબ, લૂંટેરી દુલ્હન તેની માતા અને મામા, એજન્ટ સહિતની ટોળકીએ કુલ રૂ.3.50 લાખ રોકડા, રૂ.11 હજારના કપડાં, રૂ.47 હજારના સોના-ચાંદીના દાગીના અને રૂ.15 હજારનો મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગઈ છે. આ મામલે ઈડર પોલીસે યુવકની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

