Gujarat

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ

By GS TEAM
24 Feb 20263 mins read
TukuTouch Logo
શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મનુષ્ય માટે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આવો જ એક આસ્થાનો અનોખો કિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતા પોતાના દીકરાને મળેલા નવજીવન બદલ માતાજીની માનતા પૂરી કરવા માટે હાથ-પગમાં સાંકળ બાંધી, ભીષણ ગરમીમાં ડામરના રોડ પર ગબડતા-ગબડતા 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાથ-પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા, પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ

Devotional Journey: શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મનુષ્ય માટે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આવો જ એક આસ્થાનો અનોખો કિસ્સો પંચમહાલના શહેરામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતા પોતાના દીકરાને મળેલા નવજીવન બદલ માતાજીની માનતા પૂરી કરવા માટે હાથ-પગમાં સાંકળ બાંધી, ભીષણ ગરમીમાં ડામરના રોડ પર ગબડતા-ગબડતા 1700 કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળ્યા છે.

શું હતી માનતા?  

મહારાષ્ટ્રના અમરાવતી શહેરના રતનગણ કિશન નાથ બાબા મંદિર નજીક રહેતા અને લુહારકામ કરતા દેવીદાસ શિરપાદ થોરાતનો પુત્ર દુર્ગેશ જ્યારે પાંચ વર્ષનો હતો, ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. તબીબોએ પણ દીકરો બચવાની આશા છોડી દીધી હતી. તે સમયે લાચાર પિતાએ વૈષ્ણોદેવી માતાજીને બાધા રાખી હતી કે, 'જો મારો પુત્ર બચી જશે તો હું પાંચ વાર તમારા દર્શને આવીશ, જેમાં ચાર વાર મારા ઘરેથી વૈષ્ણોદેવી સુધી ગબડતા-ગબડતા અને હાથ-પગમાં સાંકળ બાંધીને આવીશ.'


માતાજીની કૃપા અને પ્લાસ્ટિક સર્જરીના સફળ ઓપરેશન બાદ દુર્ગેશનો આબાદ બચાવ થયો. આજે તે પુત્ર સાજો સ્વસ્થ છે, અને તેના બદલામાં પિતા પોતાની કઠોર માનતા પૂરી કરી રહ્યા છે. દેવીદાસભાઈ અગાઉ બે વખત આ યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, હાલ તેઓ ત્રીજી વખત આ કઠિન માર્ગ પર નીકળ્યા છે. તે દરરોજ અંદાજે 10થી 12 કિ.મી જેટલું અંતર રસ્તા પર ગબડતા-ગબડતા (આળોટીને) કાપે છે.

આ પણ વાંચો: રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાનો જમીનદોસ્ત, આજે બંગલાઓ પર ચાલશે બુલડોઝર

તેમની સાથે એક પાડોશી મદદ માટે જોડાયા

પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી ગબડતા ગબડતા હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ  શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. વૈષ્ણોદેવીની યાત્રા કરવા ગબડતા ગબડતા જઈ રહેલા દેવીદાસ આગામી 9 મહિના પછી વૈષ્ણોદેવી પહોંચશે,જ્યાં તેઓની માનતા મુજબ ત્રીજી યાત્રા પૂર્ણ કરશે. જોકે તેઓની આસ્થા અને માતાજીની કૃપા નિહાળી પ્રભાવિત થયેલા પાડોશી પણ હાલ તેમની સાથે આસ્થાભેર માતાજીના દર્શને સાયકલ લઈને પગપાળા જઈ રહ્યા છે અને પોતાના પાડોશીને મદદરૂપ પણ થઈ રહ્યા છે. વૈષ્ણોદેવી જઈ રહેલા આ બંને આધેડ હાલ માર્ગમાં આવતા પાવાગઢ દર્શન કર્યા બાદ અંબાજી પણ દર્શન કરવાનું જણાવી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે તેઓ જે સાયકલ લઈને જઈ રહ્યા છે તે સાયકલને પેડલ પણ નથી રાખવામાં આવ્યા કે ચેઇન પણ નથી બેસાડવામાં આવી આ લોકો પૈડલ અને ચેન વગરની સાયકલનો ઉપયોગ માત્ર ને માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરી રહ્યા છે.


'પીડા નથી, આ તો માતાજીનો ચમત્કાર છે'

ભીષણ ગરમીમાં જ્યાં ડામરના રોડ પર ચાલવું પણ મુશ્કેલ છે, ત્યાં દેવીદાસભાઈ શરીરે ફાટી ગયેલા કપડાં સાથે ગબડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 'ગબડતી વખતે મને સહેજ પણ પીડા નથી થતી, ઊલટાનું જ્યારે ઊભો રહું ત્યારે દુ:ખાવો થાય છે. ડામરના રોડ પર ઘસાવા છતાં શરીરે છાલા પણ નથી પડતા, આ બધો માતાનો ચમત્કાર છે. મેં બાંધેલી સાંકળો હવે હું સીધી માતાજીના ચરણોમાં જઈને જ ખોલીશ.'


દેશના કલ્યાણ માટે પ્રાર્થના

માર્ગમાં આવતા પાવાગઢના દર્શન કર્યાં બાદ તે હવે અંબાજી થઈને ઉત્તર ભારત તરફ આગળ વધશે. દેવીદાસભાઈનું કહેવું છે કે તેઓ પોતાના દીકરાની સાથે સાથે સમગ્ર ભારત દેશનું કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના માતાજીના ચરણોમાં કરવા જઈ રહ્યા છે. તેમની આ અસીમ શ્રદ્ધા જોઈને માર્ગમાં આવતા લોકો પણ નતમસ્તક થઈ રહ્યા છે.