યહ મહાભિયોગ મહાભિયોગ ક્યા હૈ જી...?
-કમ સે કમ ગુજરાતી દૈનિકો તો ગુજરાતીમાં લખે
-સંચાલકો બિનગુજરાતી હોય એ ભલે હિન્દી શબ્દો વાપરે

અમદાવાદ તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
અમેરિકાના બહુ બોલકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે તહોમતનામાથી ઊગરી ગયા. ભલે તેમનો બચાવ માત્ર ચાર પાંચ મતોથી થયો. પરંતુ ઊગરી ગયા એ વધુ મહત્ત્વનું છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતનાં તમામ દૈનિકો ટ્રમ્પના ઇમ્પીચમેન્ટ સાથે મહાભિયોગ શબ્દ વાપરતા હતા. મહાભિયોગ શબ્દ ગુજરાતી નથી. સાર્થ જોડણીકોશની સાથોસાથ અન્ય જોડણીકોશ પણ જોઇ શકો છો. અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ (ડિક્શનરી) જુઓ તો ઇમ્પીચમેન્ટનો ગુજરાતી સરળ અર્થ તહોમતનામું કે આરોપનામું આપેલો છે. તો પછી મહાભિયોગ શબ્દ શા માટે વાપરવો પડે છે ? મહાભિયોગ શબ્દ હિન્દી ભાષાનો છે અને જે દૈનિકોના સંચાલકો હિન્દીભાષી હોય એ હિન્દી પર્યાય વાપરે તે સમજી શકાય. પરંતુ જેમની માતૃભાષા ગુજરાતી છે અને જેમણે ગુજરાતી પ્રકાશન માટે કામ કરવાનું છે એ મિત્રો શા માટે હિન્દી શબ્દપ્રયોગો કરે છે એ સમજાતું નથી. આપણી માતૃભાષાનું ગૌરવ આપણે પોતે નહીં કરીએ તો કોણ કરશે ?
આવું બીજા પણ કેટલાક શબ્દો સાથે થાય છે. ખાસ કરીને જેની કૂખમાં આપણે નવ માસ રહ્યા એવી જનેતા માટે મા લખીને ઉપર અર્ધચંદ્ર કર્યા બાદ પાછા અનુસ્વાર મૂકવામાં આવે છે. આવો કોઇ ગુજરાતી શબ્દ નથી. મા એટલે મા. એના પર ન તો અનુસ્વાર આવે કે ન તો અર્ધચંદ્ર આવે. દુઃખ તો ત્યારે થાય કે ગુજરાતી ભાષા ભણાવતા શિક્ષકો કે અધ્યાપકો ઉપરાંત લબ્ધપ્રતિષ્ઠ લેખકો સાહિત્યકારો પણ આ ભૂલને જતી કરે છે. કાં તો તેમને ગુજરાતી ભાષાના વિકાસમાં રસ નથી અથવા ગુજરાતી ભાષાનું જે થવું હોય તે થાય એવી એમની માનસિકતા છે.
બીજી બાજુ આ શિક્ષકો અને અધ્યાપકો અવારનવાર ગુજરાતી ભાષાના ભાવિ વિશે અમંગળ આગાહીઓ કરતા હોય છે.
અહીં કેટલાક શબ્દો રજૂ કર્યા છે જેની જોડણી છાશવારે ખોટી લખાય છે. દા.ત. પોલીસ, બીમાર, દંપતી, વાઇરસ, પ્રધાન (મંત્રી નહીં), વડા પ્રધાન વગેરે. આ ઉપરાંત ઘણા શબ્દોનું બહુવચન કરવામાં માર ખાય છે. દા.ત. ધોડા, ડેમ, શોખ, નેતા, નદી, વગેરે આ શબ્દોનું બહુવચન ક્યારેય ન થાય. ઘણા શબ્દો પર આડેધડ અનુસ્વાર મૂકી દેવામાં આવે છે. દા.ત. દારા સિંઘ મર્દ હતાં અહીં મર્દ પર અનુસ્વાર મૂકવાથી એ તાબોટા પાડવા બહુચરાજીના મઠમાં પહોંચી જાય છે. કવિ સુંદરમે અનુસ્વાર અષ્ટક નામે સુંદર કાવ્ય રચ્યું છે એ યાદ કરવા જેવું છે. ખિસ્સા જોડણીકોષમાં આ કાવ્ય પ્રગટ થયાનું સાંભરે છે.

