તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ
Lumpy Virus in Tapi: તાપી જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. જિલ્લામાં છ તાલુકામાં 28 ગાયોમાં લમ્પી વાઈરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, 21 જેટલા એક્ટિવ કેસ અને 7 પશુઓ રિકવર થયા છે. રાહતની વાત એ છે કે આ વાઈરસથી હજુ સુધી કોઈ પશુનું મૃત્યુ થયું નથી.
1 લાખ 21 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે
તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, કુકરમુંડા, ડોલવણ અને નિઝર તાલુકાના 20 જેટલા ગામોમાં ગાયોમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાયા છે. અત્યાર સુધીમાં કુલ 28 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 7 પશુઓ રિકવર થયા છે. આ મામલે પશુપાલન વિભાગ દ્વારા 1 લાખ 21 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. બીજી તરફ પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સાવચેતી રાખવા અને પશુઓમાં કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક પશુઓના ડૉક્ટરનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. રસીકરણ અભિયાનને વધુ સઘન બનાવીને આ રોગના ફેલાવાને અટકાવવા માટેના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો
પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે. ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. શરીરનું તાપમાન વધી જાય છે. રોગ પ્રતિકારકશકિત ઓછી થાય છે. પશુઓને આ રોગમાંથી મુક્ત થતા 2થી 3 જેટલા અઠવાડિયા થાય છે. દૂધાળ પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. જો યોગ્ય કાળજી અને સારવાર ના રાખવામાં આવે તો પશુઓ માટે લમ્પી વાઈરસ જીવલેણ બને છે.
લમ્પી વાઈરસને રોકવાના ઉપાય
•જ્યાં પશુઓને રાખવામાં આવ્યા તે સ્થળને જંતુનાશક દવાઓ અને રસાયણોથી સેનિટાઈઝ કરવામાં આવે જેથી વાઈરલ નષ્ટ થઈ જાય.
•સંક્રમિત પશુને સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ.
•તાત્કાલિક પશુઓના ડૉક્ટરનો સંપર્ક કરીને પશુની સારવાર શરૂ કરવી જોઈએ.
•બીમારી વિશે રાજ્ય સરકારને માહિતી આપવી જોઈએ.
•સ્વસ્થ પશુઓને એલએસડી પોક્સ વેક્સિન કે ગોટ પોક્સ વેક્સિન લગાવવી જોઈએ.
•મૃત પશુના મૃતદેહનુ સાવધાનીપૂર્વક અંતિમ સંસ્કાર કરવુ જોઈએ કેમકે તેનાથી પણ બીમારી ફેલાવાનુ જોખમ રહેશે. શ્રેષ્ઠ એ રહેશે કે આવા મૃતદેહોને સળગાવી દેવામાં આવે.