For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોક ડાઉનના કારણે લોઅર મિડલ ક્લાસની હાલત કફોડીઃ પૈસા સાથે ધીરજ પણ ખુટી

- લોક ડાઉનમાં ગરીબ અને તવંગરને કોઈ ખાસ ફેર નથી

- લોઅર મિડલ ક્લાસ પાસે વસ્તુ માટે પૈસા ખુટે તો તેઓ માગી પણ શકતા નથી, દાન કરનારા ફોટા પાડે તેથી તે લેવા નથી જતાં

Updated: Apr 3rd, 2020

લોક ડાઉનના કારણે લોઅર મિડલ ક્લાસની હાલત કફોડીઃ પૈસા સાથે ધીરજ પણ ખુટીસુરત, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર

કોરોનાના કારણે નવમા દિવસે સુરતમાં લોઅર મિડલ ક્લાસ વર્ગની હાલત કફોડી થઈ રહી છે. પૈસાવાળા લોકો પાસે બધુ છે અને ગરીબ લોકોને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પહોંચાડી રહી છે પરંતુ લોઅર મિડલ ક્લાસ પાસે અઠવાડિયાનું રાશન અને પૈસા હોય તેવા પાસે પૈસા અને રાશન ખલાસ થઈ જતાં હવે ધીરજ પણ ખુટી રહી છે. દાન કરનારા મોટા ભાગે ફોટા પાડતા હોવાથી આ લોકો દાન માટે લાઈનમા પણ ઉભા રહેતા અચકાઈ રહ્યાં છે. 

કોરોના કારણે લોક ડાઉનમાં સુરત મ્યુનિ. તંત્ર, સરકાર અને એન.જી.ઓ. રોજના ત્રણ લાખ લોકોને ભોજન, ફુડ પેકેટ વિગતરણ કરવામા આવે છે. તેમ છતાં વસ્તીમાં ફુડ પેકેટ મળ્યા ન હોવાની ફરિયાદ કરે છે. મ્યુનિ. તંત્ર સુરતમાં કોઈ પણ ભૂખ્યા ન રહે તે માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજી તરફ પૈસાદાર વર્ગ જીવન જરૂરિયાતની વસ્તુ ભરી લીધી હોવાથી તેઓને લોક ડાઉનમાં કોઈ પ્રકારની તકલીફ નથી. 

પરંતુ સુરતમાં હજારો પરિવાર લોઅર મિડલ ક્લાસ છે જેઓ પાસે લાંબી બચત નથી હોતી અને ઘરમાં અઠવાડિયા દસ દવસનો જ સામાન હોય છે. આવા લોકો પાસે લોક ડાઉનના કારણે નોકરી ધંધો તો બંધ છે સાથે ઘરમાં રહેલો સામાન અને નાનકડી બચત પણ પુરી થઈ ગઈ છે. હવે આ પરિવાર પાસે પૈસા, રાશન અને ધીરજ બધુ જ ખુટી રહ્યું છે. 

હાલ લોક ડાઉનમાં શ્રમજીવી અને ફુટપાથ પર રહેતાં લોકોને રાહત આપવા સાથે કેટલીક સંસ્થાઓ અને રાજકારણીઓ રાહત આપી રહ્યા છે પરંતુ મોટા ભાગના સંસ્થા અને લોકો રાહત કે દાન કરતી વખતે ફોટો ગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે તેથી મિડલ ક્લાસની હાલત કફોડી થઈ રહી છે. 

ફોટો અને વિડિયો થતો હોવાથી આ લોકો દાનની લાઈનમાં પણ જોવા મળતા નથી. આવા લોકોને સ્વમાન સાથે મદદ કરવી જોઈએ તેવી માગણી કરવામા આવી રહી છે.

Gujarat