Get The App

જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2.30 લાખ પણ ગુમાવ્યા

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2.30 લાખ પણ ગુમાવ્યા 1 - image

image : socialmedia

Jamnagar : જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે અને રૂપિયા 2 લાખ 30 હજાર ગુમાવ્યા છે. લુટેરી દુલ્હન એક દિવસના રોકાણ બાદ દરબાર ગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને નીકળ્યા બાદ લાપતા બની છે. આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના અને કાલાવડના એક મહિલા સહિતના બે વચેટીયાઓ સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાન કે જેને લગ્ન કરવા હોવાથી જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા પોતાના પરિચિત એવા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરીને વાત કરી હતી, અને પોતાને લગ્ન કરવા છે, અને એક યુવતીને શોધી આપો તેમ જણાવ્યું હતું.

જેથી યુનુસભાઇએ કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલા સાથે પરિચય કરાવ્યો હતો, અને મહારાષ્ટ્રના આકોલાની એક યુવતી સાથે લગ્ન કરાવવા માટે વાત કરી હતી, જેના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા, અને તેના માટેનો રૂપિયા એક લાખ એંસી હજારમાં સોદો થયો હતો. જેમાં દોઢ લાખ રૂપિયા યુવતિને આપવાના, જ્યારે મુમતાજબેનને 15,000 અને યુનુસભાઈને 15,000 આપવાનું નક્કી થયું હતું.

જે અનુસાર ગત 15.5.2025 ના રોજ તમામ લોકો કાર ભાડે કરીને મહારાષ્ટ્રના આકોલામાં પહોંચ્યા હતા, જ્યાં રોહિણી મોહનભાઈ હિંગલે નામની યુવતી સાથે પરિચય કરાવ્યો હતો, અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ 16 મી તારીખે મહારાષ્ટ્રમાં જ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા, અને તે જ દિવસે રોહિણીને દોઢ લાખ રૂપિયા જ્યારે મુમતાજબેન અને યુનુસભાઈને પંદર હજાર રૂપિયા આપ્યા હતા.

ત્યારબાદ તમામ લોકો જામનગર પરત ફર્યા હતા. 18 મી તારીખે રોહિણી જામનગરમાં રીક્ષા ચાલક ખીમજીભાઈના ઘેર પત્ની તરીકે રોકાઈને રાત વાસો કર્યો હતો, ત્યારબાદ બીજા દિવસે એટલે કે 19.5.2025 ના દિવસે પોતાને મંગળસૂત્ર ખરીદવું છે તથા અન્ય માલ સામાનની ખરીદી કરવી છે. તેમ વાત કરતાં પોતાના મિત્ર સાથે ખીમજીભાઇ પોતાની પત્ની રોહિણીને લઈને દરબારગઢ વિસ્તારમાં પહોંચ્યો હતો, અને ત્યાં ખરીદી કરી રહ્યા હતા. જયાં ખીમજીભાઈની નજર ચૂકવીને રોહિણી ખરીદીના બહાને ક્યાંક નીકળી ગઈ હતી. જેનો પતો નહીં મળતા મોબાઈલ ફોન લગાવ્યો હતો. પરંતુ તે ફોન પણ રિસીવ કર્યો ન હતો, અને મોડે સુધી પરત નહીં ફરતાં ખીમજીભાઈએ તુરતજ યુનુસભાઈ અને મમતાબેનને પણ વાત કરી હતી.

તેઓનો પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો, અને આજ દિન સુધી રોહિણીનો કોઈ પતો નહિ સાંપડતા આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને લૂંટેલી દુલ્હન રોહીણી મોહન હિંગલે, તેમજ બે વચેટીયાઓ યુનુસ ગનીભાઈ મનસુરી અને મુમતાજબેન અજીતભાઈ ગોધાવિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી.રામાનુજ તથા રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરેએ ત્રણેયની શોધ ખોળ હાથ ધરી છે. 

દરમિયાન પોલીસે જામનગરના વચેટીયા આરોપી યુનુષભાઈ મન્સૂરીને પોલીસ મથકે બોલાવીને નોટિસ પાઠવી છે, અને તેની પાસેથી રૂપિયા 15 હજારની રોકડ રકમ કબજે કરી છે. ઉપરાંત કાલાવડની મુમતાજબેનને પણ જામનગર બોલાવી લીધી છે, અને તેની પાસેથી પણ રોકડ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસ ટુકડી લૂંટેરી દુલ્હનને શોધવા માટે તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.

Tags :