For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની યોજનાના છીંડા, અમદાવાદમાં કચરાના નિકાલ અંગે મ્યુનિ.તંત્ર પાસે સિસ્ટમનો અભાવ

સાત ઝોનના કેટલા ઘરમાંથી એકઠા કરાતા કચરા ઉપરાંત શહેરીજનોની ફરિયાદ હલ કરવી મુશ્કેલ હોવાનો સ્વીકાર

Updated: Nov 20th, 2022

Article Content Image

અમદાવાદ,રવિવાર,20 નવેમ્બર,2022

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ મેળવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની ચાલતી યોજનાના છીંડા બહાર આવ્યા છે.મ્યુનિ.ના કચરો એકઠો કરવાના વાહનોને જી.પી.એસ.સિસ્ટમથી જોડવાની કામગીરી માટે  મંગાવવામા આવેલી ઓફરના ટેન્ડરમા તંત્રે જ કબૂલ્યુ છે કે,શહેરના સાત ઝોનમા કચરો એકઠો કરવાની કામગીરી કરતા વાહનો રોજ સો ટકા રુટ પુરો કરે છે કે કેમ એ અંગે હાલમા કોઈ એવી વ્યવસ્થા નથી જેથી ચોકકસ કયા ઝોનના કેટલા ઘરોમાંથી કચરો એકઠો કરી ડમ્પસાઈટ સુધી પહોંચે છે.શહેરીજનોની ફરિયાદ હલ કરવી મુશ્કેલ બને છે.

અમદાવાદના સાત ઝોનના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકારના વાહનો ખાનગી કોન્ટ્રાકટરોને કચરો એકઠો કરી પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પ સાઈટ ખાતે પહોંચાડવાનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.આ તમામ વાહનોને જી.પી.એસ.ડીવાઈસથી જોડી વ્હીકલ ટ્રેકીંગ એન્ડ મોનિટરીંગ સિસ્ટમથી સાંકળીને પાંચ વર્ષના સમય માટે તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે ઓફરો મંગાવવામા આવી છે.આ ટેન્ડર બીડ  ૨૪ નવેમ્બરના રોજ ખોલવામા આવશે.આઘાતજનક બાબત એ છે કે,સાત ઝોનના વિવિધ વિસ્તારમા રોજ ૨૯૦૦થી વધુ વાહન દ્વારા કચરો એકઠો કરી મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચતો કરવામા આવે છે.આમ છતા મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગને વિભાગની મર્યાદા ઓફરદારો સમક્ષ રજૂ કરવી પડી છે.

સોલિડ વેસ્ટ વિભાગે કરેલી કબૂલાત મુજબ, કચરો એકઠો કરવાની બાબતને લઈ હાલમા શહેરમા આવેલી ૨૨.૫ લાખથી વધુ મિલકતો સુધી ખાનગી કોન્ટ્રાકટરોના વાહનો પહોંચી અને  સો ટકા કચરો એકઠો કરે છે કે કેમ એ અંગે વિભાગ પાસે કોઈ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ નથી.આ કારણથી શહેરીજનો તરફથી કચરો ઉપાડવામા આવતો નથી એ પ્રકારની ફરિયાદોનો નિકાલ કરવામા પણ મુશ્કેલી પડી રહી છે.ડોર ટુ ડોર સિસ્ટમ હેઠળ ભાજપના જ કોર્પોરેટરો તરફથી હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટી તથા સ્ટેન્ડીંગ કમિટીની મળતી બેઠકમા લોકોના ઘરે  બે કે ત્રણ દિવસે ડોર ટુ ડોરના વાહન કચરો લેવા પહોંચતા હોવાની રજૂઆત અવારનવાર કરાઈ રહી છે.સોલિડ વેસ્ટ વિભાગે જ કબૂલ્યા મુજબ,ડમ્પયાર્ડની અંદર ખરેખર કેટલા વાહન દ્વારા રોજ કચરો વજન કર્યા બાદ નાંખવામા આવે છે એ અંગે પણ પુરતી માહિતી મળી શકતી નથી.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પણ શહેરમા કરવામા આવતા કચરાના નિકાલની પધ્ધતિથી નારાજ થઈ મ્યુનિ.ના વીસ ઉચ્ચ અધિકારીઓને સુરત ખાતે સ્ટડી ટુરમા મોકલ્યા છે.

Gujarat