Get The App

'અમારી સાથે મોટી રમત રમાઇ ગઇ..' ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર છેતર્યાનો ક્ષત્રાણીઓનો આક્ષેપ

જોહર કરવા ગયેલી ક્ષત્રાણીઓએ કહ્યું કે - સંકલન સમિતિ પરથી હવેઅ મારો વિશ્વાસ ઊઠી ગયો છે

Updated: Apr 17th, 2024

GS TEAM


Google News
Google News
'અમારી સાથે મોટી રમત રમાઇ ગઇ..' ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર છેતર્યાનો ક્ષત્રાણીઓનો આક્ષેપ 1 - image


Lok Sabha Elections 2024 | ગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીનાનિવાસસ્થાને આ મીટીંગ યોજવાથી ક્ષત્રિયોને તેમની માંગ સ્વીકારવવામાં તો સફળતા ન મળી પરંતુ, આંદોલનાત્મક કાર્યક્રમોને બ્રેક લાગી જતા રાજકોટમાં રૂપાલા નિર્વિઘ્ને ઉમેદવારી નોંધાવી શક્યા છે.

જૌહરની જાહેરાત કરનાર પાંચ ક્ષત્રાણીઓ વતી એક ક્ષત્રાણીએ વીડિયો નિવેદન આપીને જણાવ્યું કે અમે જૌહર કરવા ગયા ત્યારે ચાર મોટી હસ્તીઓ કે જેઓ ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે  તેવા અગ્રણી અમને મળવા આવ્યા અને રૂપાલાની ટિકીટ રદ થશે, બધુ સરખુ થઈ જશે તેવી ખાત્રી આપી હતી. હવે લાગે છે કે એ સમયે અમારી સાથે મોટી રમત રમાઈ ગઈ છે. સંકલન સમિતિ ઉપર અમને પૂરો ભરોસો નથી. 

કચ્છથી એક ક્ષત્રિય મહિલાએ કહ્યું અસંખ્ય સંમેલન થયા, રેલી નીકળી, જંગી સભા થઈ ગમે એટલી સંખ્યામાં ભેગા થયા પણ રૂપાલાનો વાળ પણ વાંકો થયો નથી, ટિકીટ રદ કરાવી શક્યા નથી. ભાજપ ટશનું મશ નથી થયું તેથી સમજી જાઓ કે તેમને ક્ષત્રિયોના મતની જરૂર નથી.આપણે મોટી વાતો કરી પણ આખરે પરિણામ શુ આવ્યું? રુપાલાએ તો ફોર્મ ભરી દીધું. 

અન્ય એક ક્ષત્રાણીએ કહ્યું કે ભાષણબાજી બંધ કરો અને રિઝલ્ટ લાવો. સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો પરિણામ તો લાવો. તમે રાજકોટમાં આટલું મોટુ સંમેલન કર્યું તેમાં માત્ર ભાષણ થયું. પરિણામ ઝીરો. પહેલા લાગતુ કે દરબારની દિકરી સુરક્ષિત છે પરંતુ, હવે કોઈ દિકરી- બહેનો સુરક્ષિત નથી. સિંહો ઠંડાબરફ જેવા થઈ ગયા છે.

'અમારી સાથે મોટી રમત રમાઇ ગઇ..' ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર છેતર્યાનો ક્ષત્રાણીઓનો આક્ષેપ 2 - image

Tags :