Get The App

અમદાવાદ પોલીસને 15 મહિનાથી ચકમો આપનાર 'કિટલી ગેંગ'નો મુખ્ય આરોપી સકંજામાં, શરતી જામીન બાદ હતો ફરાર

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ પોલીસને 15 મહિનાથી ચકમો આપનાર 'કિટલી ગેંગ'નો મુખ્ય આરોપી સકંજામાં, શરતી જામીન બાદ હતો ફરાર 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસે મંગળવારે જુહાપુરાના કુખ્યાત "કિટલી ગેંગ"ના માસ્ટરમાઇન્ડ અઝહરુદ્દીન ઉર્ફે કિટલી ઇસ્માઇલ શેખની ધરપકડ કરી છે, જે ગુજરાત આતંકવાદ નિયંત્રણ અને સંગઠિત ગુના અધિનિયમ (GCTOC)નો આરોપી હતો અને છેલ્લા 15 મહિનાથી ફરાર હતો.

વારંવાર સ્થાન બદલી ચકમો આપતો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ઝોન-7ના જણાવ્યા મુજબ, કુખ્યાત આરોપી શેખ ગુજરાત હાઇકોર્ટ દ્વારા GCTOC કેસમાં મંજૂર કરાયેલા શરતી જામીન રદ થયા બાદ ફરાર હતો કારણ કે તેણે કથિત રીતે જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તે વારંવાર સ્થાનો બદલીને અને તેની ગતિવિધિઓ છુપાવવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરતો હતો, જેથી ધરપકડથી બચી જતો હતો. 

ખેડાના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ

LCB ઝોન-7 અને વેજલપુર પોલીસે ચોક્કસ ટેકનિકલ ઇનપુટ્સ અને ગુપ્ત બાતમીને આધારે કરેલી કાર્યવાહીમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના મહાલજ ચોકડી નજીકના ફાર્મહાઉસમાંથી શેખની ધરપકડ કરવામાં આવી છે.

20થી વધુ કેસોમાં આરોપી

અમદાવાદના જુહાપુરાના રહેવાસી શેખ પર છેલ્લા એક દાયકામાં 20થી વધુ કેસો નોંધાયા છે. જેમાં મોટાભાગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ખંડણી, લૂંટ, હત્યાનો પ્રયાસ, ગુનાહિત ધાકધમકી, હુમલો, અતિક્રમણ, ગેરકાયદેસર હથિયારો રાખવા  સહિત અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. જેમાંથી ઘણા કેસોમાં આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની કલમો પણ લાગુ પડે છે.

કિટલી ગેંગનો લીડર હતો

દાવા મુજબ રીઢો ગુણેનાર શેખ એક સંગઠિત કિટલી ગેંગનો લીડર છે, જે જમીન અને મિલકતોને બળજબરીથી હડપ કરી લે છે, ધમકી આપીને પૈસા ઉઘરાવે છે અને શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર દ્વારા રહેવાસીઓને ડરાવીને ધમકાવીને જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવતો હતો.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે, જાણો ગુજરાત પર શું થશે અસર?

કોર્ટમાં કરાશે રજૂ

પોલીસે ધરપકડ બાદ જણાવ્યું હતું કે શેખને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના સહયોગીઓ, નાણાકીય સંબંધો અને અન્ય પડતર ગુનાઓમાં સંભવિત સંડોવણીની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.