Get The App

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું 1 - image


Gujarat Politics: ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ અનામતનો મુદ્દો ફરી એકવાર રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહ્યો છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના બિન-અનામત વર્ગોએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS (આર્થિક રીતે નબળા વર્ગો) અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનનાં મંડાણ કર્યાં છે.

શું છે મુખ્ય માંગણીઓ?

પાટીદાર નેતા વરુણ પટેલ અને અન્ય સામાજિક આગેવાનોએ સરકાર સામે મુખ્યત્વે બે મુદ્દાઓ રજૂ કર્યા છે.

EWS અનામતનો અમલ: પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં બિન-અનામત વર્ગના તેજસ્વી અને આર્થિક રીતે નબળા ઉમેદવારોને તક મળે તે માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવી.

OBC અનામતનું સરળીકરણ: રાજ્ય સરકારે OBC અનામત 10 ટકાથી વધારીને 27 ટકા કરી છે, પરંતુ આગેવાનોની માંગ છે કે જ્યાં OBC વસ્તી વધુ હોય ત્યાં જ ૨૭ ટકાનો અમલ કરવો. જ્યાં વસ્તી નહિવત હોય ત્યાં બેઠકો અન્ય વર્ગ માટે ખુલ્લી રાખવી જોઈએ.

આ પણ વાંચો: પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં!

આગામી સપ્તાહે સંયુક્ત બેઠક

અનામતની આ માંગણીને બુલંદ બનાવવા માટે આગામી અઠવાડિયે ગાંધીનગરમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવા માટેની રણનીતિ ઘડાશે. બજેટ સત્ર દરમિયાન આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

સરકારની ચિંતામાં વધારો

એક તરફ હજુ આખરી મતદાર યાદી તૈયાર થઈ રહી છે અને ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અનામતનું આ 'ભૂત' ધૂણતાં ભાજપ સરકાર સામે રાજકીય મોરચે મુશ્કેલી વધી શકે છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલને જે રીતે સત્તા પક્ષને મુશ્કેલીમાં મૂક્યો હતો, તે જોતાં સરકાર આ વખતે આ મુદ્દે વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહે તેવી શક્યતા છે.

આગેવાનોનું કહેવું છે કે સ્થાનિક ઓળખ અને સામાજિક ન્યાય એ બંધારણીય અધિકાર છે. જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં ગુજરાતના રસ્તાઓ પર ફરી એકવાર આંદોલનનાં દ્રશ્યો જોવા મળી શકે છે. ખાસ કરીને જ્યારે રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે આ મુદ્દો ગૃહમાં પણ ગાજે તેવા સંકેતો મળી રહ્યા છે.