Gujarat Assembly: ગુજરાતમાં 'ભણે ગુજરાત' અને 'વિકસિત ગુજરાત'ની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન સરેરાશ માત્ર 22 દિવસ જ બેઠક મળે છે. આ સ્થિતિ દર્શાવે છે કે જનતાના સવાલોની ચર્ચા માટે ધારાસભ્યો પાસે આખા વર્ષમાં એક મહિના જેટલો સમય પણ ફાળવવામાં આવતો નથી.
બેઠકોના મામલે ગુજરાત પાછળ
વિધાનસભાની બેઠકોના આંકડાકીય વિશ્લેષણમાં ગુજરાતની સ્થિતિ નબળી જણાઈ રહી છે. વર્ષમાં સરેરાશ સૌથી વધુ બેઠક મળતી હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત 12માં સ્થાને છે. વર્ષ 2017થી 2024 દરમિયાન સૌથી વધુ બેઠક મળી હોય તેવા રાજ્યમાં પણ ગુજરાત 10મું સ્થાન ધરાવે છે. વર્ષ 2025માં કુલ બે સત્રો મળ્યા હતા (ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર), જેમાં માત્ર 27 દિવસ કામકાજ થયું હતું. 2022થી 2024 દરમિયાન પણ વર્ષમાં માત્ર એક કે બે સત્રો જ બોલાવવામાં આવ્યા હતા.

બંધારણીય આયોગની ભલામણ અને વાસ્તવિકતા
વર્ષ 2002માં પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટચલેયાના વડપણ હેઠળના 'બંધારણ સમીક્ષા આયોગ' દ્વારા મહત્ત્વની ભલામણો કરવામાં આવી હતી. વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ બેઠક મળવી જોઈએ. નાના રાજ્યોમાં ઓછામાં ઓછા 50 દિવસ બેઠક મળવી જોઈએ. લોકસભા/રાજ્યસભામાં અનુક્રમે 120 અને 100 દિવસની બેઠકની ભલામણ હતી. ગુજરાત જેવા મોટા અને વિકસિત રાજ્યમાં 90 દિવસના બદલે માત્ર 22-27 દિવસની બેઠક એ ભલામણોથી દૂર છે.

ઓછી બેઠકો પાછળના સંભવિત કારણો
રાજકીય વિશ્લેષકોના મતે આ આંકડા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર હોઈ શકે છે.
•રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ: સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે જનહિતના મુદ્દે લાંબી ચર્ચા કરવાની મર્યાદિત તૈયારી.
•સવાલોથી બચવાનો પ્રયાસ: ઓછી બેઠકો મળવાને કારણે વિપક્ષને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવવાની તક ઓછી મળે છે.
•પ્રચંડ બહુમતી: સત્તાપક્ષ પાસે જંગી બહુમતી હોવાથી બિલ પાસ કરાવવામાં કોઈ અવરોધ આવતો નથી, પરિણામે ચર્ચાઓ ટૂંકી કરવામાં આવે છે.
જનતાના સવાલોનું શું?
ધારાસભ્યોને જનતાના ટેક્સના પૈસામાંથી આખું વર્ષ પગાર અને ભથ્થાં આપવામાં આવે છે. જો ગૃહમાં બેઠકો જ ઓછી મળે, તો શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પાયાના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થઈ શકતી નથી. આ સ્થિતિ લોકશાહીની ગરિમા અને જવાબદેહી સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે.


